સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર, ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામ ચોકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરની મધ્યમાં પરશુરામ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે બ્રહ્મ સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે. મંત્રીએ આ ચોકનું નિર્માણ કરવા બદલ નગરપાલિકા તેમજ વિશાલભાઈ દવેના પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગની લોકોપયોગી વિવિધ યોજનાઓ અને ભારત સરકારની સ્કીલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા સ્કીમ જેવી યોજનાઓ વિશે વિગતવાર વાત કરીને આવી યોજનાઓના લાભ લેવા પણ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અગ્રણી વર્ષાબેન દોશી અને હિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ સ્વાગત પ્રવચન અને કારોબારી ચેરમેન મનહરસિંહ રાણાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, જીજ્ઞાબેન પંડ્યા, ઝંખનાબેન ચાંપાનેરી, હાર્દિકભાઈ ટમાલીયા, રાજભા ઝાલા અને સુનિલભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા