દલિત સમાજમાં ખુશીનો માહોલ: ડીસા માર્કેટયાર્ડના ઇતિહાસમાં પ્રથમવાર દલિત સમાજની મહિલાને ડિરેક્ટર તરીકે સ્થાન; સર્વાનુમતે ડિરેક્ટર બનાવ્યા
ડીસા માર્કેટયાર્ડના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી ગઈકાલે સમાપ્ત થઈ છે. જેમાં પ્રથમ વખત માર્કેટયાર્ડમાં ભાજપના મેન્ડેટ સાથેની પેનલનો ભવ્ય વિજય થયો છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ધાનેરાના ધારાસભ્ય અને ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન માવજી દેસાઈના અથાગ પ્રયત્નોથી પાલિકામાં ડીસા બજાર સમિતિમાં પૂન: ભાજપનું શાસન પ્રસ્થાપિત થયું છે.
ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડીસા નગરપાલિકામાંથી પણ એક સભ્યને મોકલવામાં આવે છે. જેમાં નવા બોર્ડમાં ડીસા નગરપાલિકામાંથી વોર્ડ નંબર 6ના નગર સેવિકા નયના મગનભાઈ સોલંકીનું નામ ડિરેક્ટર તરીકે સૂચવાતા સર્વ સભ્યોએ સંમતિ આપી હતી. આમ ડીસા એપીએમસીના બોર્ડમાં પ્રથમ વખત દલિત મહિલા સ્થાન પામશે.
આ અંગે નવનિયુક્ત ડિરેક્ટર નયનાબેન સોલંકી એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે જ્યાં કોઈપણ નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આજે એક દલિત સમાજની દીકરીને ડિરેક્ટર બનાવીને પાર્ટી એ તે સાબિત કરી બતાવ્યું છે.