પાલનપુરના હરીપૂરા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ...

પાલનપુરમાં ઉનાળાના પ્રારંભે જ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં હરીપુરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા હોઇ સ્થાનિક મહિલાઓ પાણીની સમસ્યાને નિવારવાની માંગ સાથે નગરપાલિકામાં દોડી આવી હતી. જ્યા પાણી પુરવઠા વિભાગમાં પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. પાલનપુરમાં બોરવેલ તેમજ ધરોઈ જૂથ યોજના હેઠળ શહેરમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો વિજ મોટરો મારફતે પાણી ખેંચી લેતા હોય વિવિધ વિસ્તારોના પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી ન શકતા લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જેમાં હાલ ઉનાળા પ્રારંભે જ શહેરમાં હિરાપુરામાં આવેલ લુહાર ટેકરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી એક ટીંપુ પણ પાણી ન આવતા સ્થાનિકોને પાણી માટે ભારે રઝળપાટ કરવાની ફરજ પડી રહી હોઇ જેને લઈને મહિલાઓએ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે નગરપાલીકામાં દોડી આવી હતી. અને તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.