પ્રધાનમંત્રી આવાસ યોજના: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આદિજાતિ પરિવાર માટે આશીર્વાદરૂપ બની

આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સબકા સાથ , સબ કા વિકાસ ના સૂત્રને સાર્થક કરવા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. જે અન્વયે આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક , આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે લક્ષ્યની પૂર્તિ માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ કટિબદ્ધ છે.

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.20-11-2016થી અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને "પોતાના સ્વપ્નનું ઘર" મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજનાનો લાભ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં પણ પહોંચ્યો છે. જેના થકી વર્ષોથી ઝુંપડપટ્ટી અને છાપરાંમાં જીવન વ્યતિત કરતા આદિજાતિ પરિવારોને પણ પાકાં આવાસ મળ્યાં છે. અને આદિજાતિ પરિવારોનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન પૂરું થયું છે.