પાલનપુર- આબુ હાઇવે પર એક ટ્રકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આજે મુકેશ ધ્રાંગી નામનો એક બાઈક સવાર અમીરગઢ તરફથી ઈકબાલગઢ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક હાઇવે પર બાઈક સવારને પાછળથી ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર રોડ પર પટકાયો હતો અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

બાઈક સવારને ટક્કર મારી ટ્રક ચાલક ટ્રક લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવી અમીરગઢ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આવી યુવકના મૃતદેહનો કબ્જો લઈ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અમીરગઢ તાલુકાના સોનવાડી ગામનો મુકેશભાઈ ધ્રાંગી હોવાનું જાણવા મળ્યું છે.