ડીસા-પાટણ હાઇવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝાબડીયા ગામનો પ્રકાશ ઠાકોર નામનો યુવક બાઈક લઈને ખરડોસણ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે વળાંકમાં સામેથી આવી રહેલા દૂધના ટેન્કર અને બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
અને અકસ્માતમાં બાઈક સવાર યુવક રોડ પર પટકાતાં તેને ઇજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા-પાટણ હાઈવે પર અનેક જગ્યાએ ભયજનક વળાંક હોવાથી અવાર નવાર નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે અને અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચે છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ રોડ પર વાહનો ધીમે ચલાવવા અને ખાસ કરીને વળાંકમાં ખાસ ધ્યાન રાખવા વાહનચાલકોને અપીલ કરાઇ છે.