ડીસામાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્ર એક કવાયત હાથ ધરી હતી અને આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડી શહેરમાં ગંદકી અને હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાયરલ ફીવરના કેસોમાં ખૂબ જ વધારો થયો છે અને આ વધી રહેલા રોગચાળાને અટકાવવા માટે તંત્ર સાબદુ બન્યું છે. જેમાં આજે ડીસા આરોગ્ય વિભાગે નગરપાલિકા અને પોલીસની ટીમોને સાથે કામગીરી હાથ ધરી શહેરમાં વોર્ડ વાઇસ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં નાસ્તાની લારીઓ, હોટેલ, ઠંડા પીણા, બરફની ફેક્ટરીઓ, શેરડીના કોલા અને પાર્લર પર દોરડા પડ્યા હતા, તેમજ પાણીનો ભરાવો થઈ પોરા થતાં હોય, ગંદકી હોય કે હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
દિવસ દરમ્યાન શહેરમાં અલગ અલગ ટીમો થકી કુલ 364 જેટલી જગ્યાએ તપાસ કરી હલકી ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી આવતા તેનો નાશ કર્યો હતો અને વેપારીઓને દંડ ફટકાર્યો હતોઅને બીજી વાર આવી ભૂલ ન કરે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી.