ડીસા તાલુકાના નાની આખોલ ગામે શનિવારે મોડી રાત્રે બાઈકની ચેન ચઢાવવા બાબતે હુમલો કરતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યારાની અટકાયત કરી છે.

ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા અને શાકભાજી તેમજ ભંગારનો વ્યવસાય કરતા સંજય રામસંગભાઇ પટણી શનિવારે મોડી રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે તેઓના ઘર આગળથી ગામનો નાથાજી ધનાજી દરબાર બાઇક લઈને નીકળ્યો હતો. જેમાં તેના બાઇકની ચેન સંજયના ઘર આગળ ઉતરી જતા તેને બૂમ પાડી સંજયને ઘરમાંથી બોલાવ્યો હતો. સંજય ચેન ચઢાવવા જતાં ચેન ચડતી ન હતી.

જેથી નાથાજીએ ઉશ્કેરાઈ સંજયને અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો તેમજ તેને નીચે પાડી દઈ છાતી પર ગડદા પાટુનો માર માર્યો હતો. ત્યારે સંજયની પત્ની તથા તેમનો ભાણેજ તેને છોડવાની કોશિષ કરી હતી પરંતુ નાથાજીએ સંજયને છાતીના ભાગે કોણીથી માર મારતા તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન નાથાજી નાસી છૂટ્યો હતો. જેથી સંજયની પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા તેને તાત્કાલિક આ નાની આખોલની નિમ્સ હોસ્પિટલ લઇ ગયા હતા.

 જ્યાંથી વધુ સારવાર માટે ડીસા ભણસાલી હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને મોડેથી ડીસા સિવિલમાં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે સંજયની પત્ની કોકીલાબેન પટણીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી નાથાજી ધનાજી દરબારની અટકાયત કરી હતી.