દશરથ નંદન ભગવાન શ્રી રામની જન્મ જયંતી નિમિત્તે ડીસા શહેરના મોટા રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં સોનેરી બગીમાં બેસી ભગવાન શ્રીરામ, માતા જાનકી, ભ્રાતા લક્ષ્મણજી તેમજ પ્રભુના પ્રિય સેવક હનુમાનજી સાથે ભગવાને નગર પરિક્રમા કરી હતી.
ડીસા શહેરમાં અગાઉ પણ રામનવમી એ રથયાત્રાઓ નીકળતી હતી. પરંતુ આ વર્ષે પ્રથમ વખત યુવાનો હોશભેર જોડાતા યાત્રા ભવ્યાતી ભવ્ય રહી હતી.વિશાળ કાફલા સાથે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો જોડાતા સમગ્ર માહોલ કેસરિયો બન્યો હતો.
હિન્દુ યુવા સંગઠનના યુવકોએ તલવારબાજી તેમજ અંગ કસરતના દાવો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, હિંદુ યુવા સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ ટેબ્લો અને ઝાંખીઓ પ્રદર્શિત કરાઈ હતી.
યાત્રામાં રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર સહિત નેતાઓ જોડાયા હતા.
રથયાત્રા ડીસાના સરદાર બાગ પહોંચતા ભગવાન શ્રી રામની આરતી ઉતારી યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. યાત્રા મુખ્ય બજાર માર્ગોએ ફરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.