હિમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં મુસાફરી માટે આવતા અનેક લોકોના ખિસ્સામાંથી સીફત પૂર્વક અજાણ્યા શખ્સો મોબાઈલ, રોકડ અને ટેબલેટ જેવી ચીજવસ્તુઓની ચોરી કરી ઘુમ થયી જાય છે ત્યારે બી-ડીવીઝનના પીએસઆઈ એ.વી.જોષી અને તેમના સ્ટાફે બસ સ્ટેન્ડમાં ચોરી કરનાર અને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા શખ્સને શુક્રવારે અંદાજે રૂ.૩૯,પ૦૦ની મત્તા સાથે ઝડપી લેવાયો હતો
પોલીસના સુત્રોમાથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ વિજાપુર તાલુકાના ફુદેડા ગામના ક્રિષ્નાબેન જયેશભાઈ પંચાલ હિંમતનગર બસ સ્ટેન્ડમાં મુસાફરી કરવા માટે આવ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે સીફત પૂર્વક રૂ.૩,પ૦૦ની કિંમતનું ટેબલેટ બેગમાંથી ચોરી લીધુ હતુ. જે અંગેની ફરીયાદ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ સ્ટાફને મળેલી બાતમી બાદ શુક્રવારે શકને આધારે સુનિલ નગીનભાઈ દેવીપુજક (રહે.ચંડોળા તળાવ, અમદાવાદ)ને ઝડપી લઈ ઝડતી લેતા તેની પાસેથી ટેબલેટ તથા અન્ય ચાર મોબાઈલ મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતાં પકડાયેલા સુનિલ દેવીપુજકે કોઈ આધાર પુરાવા દેખાડવાનો ઇન્કાર કરી કબુલ્યુ હતુ કે મોબાઈલ અને ટેબલેટ સીફત પૂર્વક મુખ્ય બસ સ્ટેન્ડમાંથી ચોરયા હતા. જે આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.