હિંમતનગર તાલુકાના દેધરોટા ગામના રોડ પરથી ચાર દિવસ અગાઉ પસાર થઈ રહેલ એક એકટીવાને પાછળથી ટ્રકે ટક્કર મારતા એકટીવા પર જઈ રહેલ બંને જણાને ઈજા પહોંચી હતી જે અંગેની ફરિયાદ બુધવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

ગ્રામ્ય પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર  સલાલ દરબાર વાસમાં રહેતા શૈલરાજસિંહ ગજેન્દ્રસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૮ માર્ચના રોજ સાંજના સમયે તેમના બનેવી ભરતજી અમરતજી ઠાકોર તથા રાજુલબેન ભરતજી ઠાકોર એકટીવા નં. જીજે.૦ર.સીકે રપ૪પ લઈ વિજાપુરથી હિંમતનગર તરફ આવી જતા હતા ત્યારે દેધરોટા પાટીયા નજીક અજાણ્યા ટ્રકે પાછળથી આવી એકટીવાને અથડાવી દેતા બંને જણાને ઈજા થઈ હતી. અકસ્માત કર્યા બાદ ટ્રકનો ચાલક ભાગી ગયો હતો. જેથી શૈલરાજસિંહ પરમારે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ બુધવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.