બનાસકાંઠામાં ડીસા પાસે આવેલા માલગઢ ગામેથી એક વેપારીના બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વેપારીએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ચોરની તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના માલગઢ ગામમાં મામાનગર વિસ્તાર ખાતે રહેતા કૌશિક ગેલોત મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. તેમને જગદીશ કચ્છવાને ત્યાં ઓર્ડર હોવાથી તેઓ તેમનું પલ્સર બાઈક લઈને મંડપ ડેકોરેશનના કામ અર્થે ગયા હતા.
જ્યાં જગદીશભાઈના ઘરની આગળ બાઈક કરી તેઓ કામ કરી રહ્યા હતા, જ્યારે મોડી રાત્રે 11 વાગ્યે તેઓ પરત ફરતા તેમનું બાઈક પાર્ક કરેલી જગ્યાએ દેખાયું ન હતું. જેથી તેઓએ તરત જ આજુબાજુમાં બાઈકની તપાસ કરી હતી.
પરંતુ હજુ સુધી બાઈક ન મળી આવતાં તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે 60 હજાર રૂપિયાની કિંમતના પલસર બાઈક ચોરી થઈ ગઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા ચોર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
 
  
  
  
   
   
   
  