વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારો એવા વડસર-કોટેશ્વર રોડ ઉપર નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવતા કોટેશ્વર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતના વિસ્તારમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ જઇ શક્યા ન હતા અને નોકરીયાત વર્ગ પણ અટવાઈ ગયો હતો.
વડસરથી કોટેશ્વર જવાના રસ્તા ઉપર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા મોડી રાત્રે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રસ્તાઓ ઉપર પાણી આવી જવાના કારણે વડસરથી કોટેશ્વરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આથી કોઇએ આ રસ્તા ઉપરથી આવન-જાવન કરવી નહીં, રસ્તા ઉપર આવી ગયેલા પાણીની સાથે મગરો પણ આવી ગયા હોઇ, તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે કોઇએ આ માર્ગ ઉપરથી આવન-જાવન કરવી નહીં.
જોકે,તેમછતાં રસ્તા ઉપર કોઇ અવર જવર કરે નહિં તે માટે તંત્ર દ્વારા વડસરથી કોટેશ્વર જવાના રસ્તા ઉપર બેરીકેટ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતો.