મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એક સાથે કરતા હોય છે. પરંતુ આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષે કરતા 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
કાશ્મીરી મરચુંના ભાવ 1100 રૂપિયા
ગત વર્ષે આ સિઝનમાં પિસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે. જ્યારે જીરુંમાં રૂપિયા 40નો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. આમ પાક નુકસાની ખૂબ જ મોટાપ્રમાણમાં જોવા મળતા મરચાનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે.
ઝાંકળ પડવાના કારણે ઘાણાજીરૂનો પાક લોચો વળી ગયો
આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્યો, સામાન્ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડી છેક હમણા સુધી રહી આ સ્થિતિમાં ઠંડક અને ઝાંકળ પડવાના કારણે ઘાણાજીરૂનો પાક લોચો વળી ગયો. જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્પાદનની ઘટ જોવા મળી છે. વિઘે 1000 કિલોના ઉત્પાદન સામે ફક્ત 700 કિલો જીરાનું ઉત્પાદન થયું છે. મરચા અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવવધારો પણ એક કારણ છે. જોકે, ખેતીમાં હવામાનએ ઉત્પાદન ઘટ અને ભાવવધારા માટેનું મુખ્ય કારણ વેપારીઓ માની રહ્યા છે.
અમે મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવીએ છીએઃ ગૃહિણી
આ અંગે નર્મદાબેન નામના ગૃહિણીએ જણાવ્યું કે, મસાલાના ભાવ વધી ગયા છે. હળદરના ભાવ પણ ઘણા વધી ગયા છે. અમે મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. તેલની ભાવમાં પણ તોતીંગ વધારો થયો છે. ગરીબ માણસ કેવી રીતે તેલ લાવે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
બે વર્ષ અગાઉ કેરળમાં ભારે વરસાદના કારણે ઈલાયચીનો પાક સાફ થઈ ગયો હતો અને તે વખતે પણ ઈલાયચીનો ભાવ 1000ની જગ્યાએ 5000 સુઘી પહોંચ્યો હતો ત્યારબાદ હવે મરચા અને જીરાના પાક પર પણ માવઠાનો માર પડતા ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એક તરફ મોંઘવારી વધી રહી છે લોકોની આવક ઘટી રહી છે અને બીજી તરફ મસાલાના ભાવમાં પણ અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે.