અયોગ્ય બાંધકામ: પાલનપુરમાં SOG કચેરી આગળ કોટની કામગીરી વકીલોએ સ્ટે લાવીને અટકાવી

પાલનપુર એસપી કચેરીની નીચે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કચેરી આગળ કોટ બનાવવાની કામગીરી શનિવારે વકીલોએ અટકાવી દીધી છે. વકીલ મંડળની રજૂઆત બાદ કોર્ટે બાંધકામ સામે મનાઈ હુકમ આપ્યો છે. વકીલોએ કહ્યું કે હેરિટેજ બિલ્ડીંગની આગળ બાંધકામ અયોગ્ય છે. જેને લઇ કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પ્રતિવાદી બનાવી હુકમ સંભળાવ્યો હતો. 

પાલનપુરના જોરાવર પેલેસ સંકુલમાં કોર્ટ સંકુલ એસપી ઓફિસ સહિત જુદી જુદી કચેરીઓ આવેલી છે. તેમાં એસપી કચેરી પણ હેરિટેજ બિલ્ડીંગમાં કાર્યરત છે. અહીં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી દ્વારા કોટ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. કોર્ટ સંકુલમાં જ આ પ્રકારની કામગીરી સામે તમામ વકીલોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બાંધકામ અટકાવ્યું હતું. 

પાલનપુર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એલ.ડી.વાઘની કોર્ટમાં પાલનપુર બાર એસોસિએશનની રજૂઆતના પગલે કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને ઉદ્દેશીને આ હુકમ કરાયો હતો.