લાડલી ગીફ્ટ યોજના: મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા પાલનપુર ખાતે લાડલી ગિફ્ટ યોજનામાં 7 દિકરીઓને રૂ. 25-25 હજારની ભેટ અપાઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદર આયોજીત કાર્યક્રમમાં પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર આર. એન. પંડ્યાના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં 7 દિકરીઓને રૂ. 25- 25 હજારની ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ- પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં 12 વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ 7 દિકરીઓને અધિક કલેક્ટરના હસ્તે વ્યક્તિગત રૂ. 25,000 ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ અપાઇ હતી તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર નારી રત્નો, જેમાં દાંતા ટ્રાયબલ વિસ્તારમાં મેડીકલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવા આપનાર ર્ડા. નિશા ડાભી અને દિકરી વધામણાનું કાર્ય કરનાર અંકિતાબેન મહેશ્વરી તેમજ બેચરભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતું. આદિજાતિ વિસ્તારમાં સિકલસેલ એનિમીયા ધરાવતી બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સંસ્થામાંથી સૌ પ્રથમવાર એફ.ડી. મેળવનાર દિકરી ધ્રુવી પ્રતિકભાઇ મિસ્ત્રીનું સાફો પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

મહિલા કલાનિધિ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિબેન હાડાએ જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દાતાઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી શરૂ કરવામાં આવેલ લાડલી ગિફ્ટ યોજનામાં આજ સુધીમાં 57 જરૂરીયાતમંદ દિકરીઓને ફિક્સ ડિપોઝીટનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રમકડા બેંક, યાત્રાધામ અંબાજીથી શરૂ કરાયેલ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટની સુવાસ સરહદી વિસ્તાર નડાબેટ સુધી ફેલાઇ છે.

​​​​​​​માસુમ ફુલની કળી જેવી નવજાત ત્યજી દેવાયેલ દત્તક દિકરીઓ જેના માતા-પિતા કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અથવા જેના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી એકથી પાંચ વર્ષની દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવા મુંબઇ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દાતાઓની ઉમદા ભાવના મુજબ લાડલી ગિફ્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિકરીઓનું તેમના પરિવારમાં લક્ષ્મીરૂપે સન્માન થાય તેમજ રૂ. 25000 ની રકમ તે દિકરીઓના નામે ફિક્સ ડિપોઝીટ મુકવાથી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં મળનારી આ રકમનો ઉપયોગ દિકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે દિકરીના આરોગ્યને લગતો કોઇ ખર્ચ કરવાનો થાય તે માટે આ લાડલી ગિફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.