થરા કોલેજમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

 કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા, સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરાના CWDC વિભાગ ના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી તા.07/03/2023 ને મંગળવારના રોજ પ્રિ.ડૉ.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત શ્રી જશીબેન કે પરમાર (ઈન્ચાર્જ શ્રી સી.ડી.પી.ઓ. કાંકરેજ) નું શાબ્દિક સ્વાગત કરી બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું મહત્વ સમજાવતા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો તેમજ સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યયતાને તેમજ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તે વિશે માહિતગાર કરેલ. જશીબેન પરમારે "નારી તું નારાયણી" વિષય પર બીજરૂપ વક્તવ્ય આપેલ. 'જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે' ઉક્તિને સાર્થક કરી જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે તે સમજાવી ભારતીય સંસ્કૃતીની અમર નારી પાત્રો જેવા કે સીતા,ગંગાસતી, ઉર્મિલા,અનુસુયા,સાવિત્રી,રાણી લક્ષ્મીબાઈના જીવન પ્રસંગોને ઉજાગર કરી વિદ્યાર્થીનીઓમાં સંસ્કાર સિંચનની જાગૃતિ લાવવા આહવાન કરેલ. સુપરવાઈઝરશ્રી આઈ.સી.ડી.એલ. માંડલા વિભાગથી પધારેલ શ્રીમતી શીતલબેન રબારીએ નારીની સહનશીલતા ત્યાગ અને બલિદાનની ભાવનાને ચરિતાર્થ કરી ઊંડાણપૂર્વક સમજાવેલ કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા.ઝીલબેન શાહ, પ્રા.અનિતાબેન નાઈ, પ્રા.મધુબેન પરમાર, પ્રા.જૈનાબેન શાહ, પ્રા.સોનલબેન પ્રજાપતિએ કર્યું હતું.

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા