રાધિકા વ્યાસ....
અહીં વાતો થાય છે જ્ઞાન-વિજ્ઞાનની...અહીંની બાળાઓ મેળવી રહી છે સ્વરક્ષણની તાલીમ...અહીં જોરશોરથી ઉજવાય છે દરેક ઉત્સવો...અહીં યોજાય છે સ્થાનિક રમતોત્સવ અને રમાય છે સ્વદેશી રમતો...અહીંના વિજ્ઞાન પ્રોજેક્ટસ્ રાજ્યકક્ષાએ પણ ઝળહળે છે...આ વાત કોઇ મેગાસીટીની પ્રાઇવેટ શાળાની નહીં પરંતુ બોટાદ જિલ્લાનાં ખોબા જેવડાં ગામ લાખણકાની સરકારી પ્રાથમિક શાળાની છે...જ્યાં વહે છે જ્ઞાનની એવી અવિરત ધારા જેનો લાભ મેળવતાં બાળકોએ આજે અનેક ક્ષેત્રે પોતાનું નામ પ્રસ્થાપિત કરી શાળાની યશકલગીમાં નવા સુવર્ણપીંચ્છ ઉમેર્યાં છે.!
બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાની લાખણકા પ્રાથમિક શાળાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અહીંના લોકો આ શાળાના શિક્ષકોનાં વખાણ કરતાં થાકતા નથી. તો ચાલો આજે આપણે નજર કરીયે આ શાળાનાં અનોખા અને ઇનોવેટિવ શિક્ષકોની કામગીરી અને શાળાની વિશેષતાઓ પર...
શાળાનાં શિક્ષકો દ્વારા બાળકોને ઔષધિઓ વિશે જાણકારી આપવા માટે શાળાનાં પ્રાંગણમાં જ ઔષધબાગ તૈયાર કરાયું છે. આ બાગમાં સરકારશ્રીનાં પ્રોજેક્ટ અન્વયે કિચન ગાર્ડન પણ તૈયાર કરાયું છે. જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જેનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે.!
શાળાનાં બાળકોનું મોબાઇલ વ્યસન દૂર થાય તે માટે શિક્ષકો દ્વારા ઘરેઘરે જઇને વાલીસંપર્ક કરવામાં આવે છે તેમજ શાળા બાદના સમયે વિદ્યાર્થીઓનાં ઘરે જઇને આકસ્મિક ચેકીંગ પણ કરવામાં આવે છે જેના પરિણામે આજે શાળાનાં 90% વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર છે અને ભણવામાં વધુ ધ્યાન આપી રહ્યાં છે.!
લાખણકા પ્રાથમિક શાળામાં પ્રત્યેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેથી બાળકો દેશની ઉત્સવપ્રિય સંસ્કૃતિને જાણી શકે છે. અહીં શિક્ષકો બાળકોને ધાર્મિક, સામાજિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તહેવારોનું મહત્વ સમજાવે છે. ઉપરાંત શાળામાં સ્થાનિક રમતોત્સવ પણ યોજાય છે જેમાં સ્વદેશી રમતોને પ્રાધાન્ય આપવામાં આવે છે.
આ શાળાનાં દરેક શિક્ષક અભિનયગીતો અને સંગીતનાં સથવારે બાળકોને રસ પડે તે રીતે ભણાવે છે. જેથી બાળકોનો શાળાએ આવવાનો ઉત્સાહ વધે છે.!
આ શાળાને ગામલોકોનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે જેથી દાતાઓને કારણે આ શાળાની દીવાલે દીવાલે ચિત્રો દ્વારા બાળકોને “ગમ્મત સાથે ગણતર અને મજા સાથે મર્મ” સમજાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે.!
સરકારશ્રી દ્વારા શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવાનો પ્રોજેક્ટ અમલી છે જે અન્વયે લાખણકા પ્રાથમિક શાળાની ધો. 6 થી 8ની બાળાઓને ટ્રેનર દ્વારા કુસ્તી-કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.!
લાખણકા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો શાળા સમય બાદ પણ બાળકોને ભણાવવા માટે તત્પર છે. શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા તેમજ નવોદયની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શાળા બાદના સમયમાં ભણાવવામાં આવે છે તેમજ ઘરે રાત્રે 8 થી 10નાં સમયમાં વાંચન સમયે કોઇપણ મૂંઝવણ હોય તો શિક્ષકો દ્વારા તેમની મુશ્કેલી દૂર કરવામાં આવે છે.
શાળાની વાત કરતાં લાખણકા ગામનાં સરપંચશ્રી જોરસંગભાઇ વઢેળએ જણાવ્યું હતું કે, “હું છેલ્લાં 10 વર્ષથી આ ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું, મેં મારી આખી જિંદગીમાં આ પ્રકારની શાળા જોઇ નથી. આ શાળાનાં તમામ શિક્ષકોની કર્તવ્યપરાયણતા જોઇને ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. ભણતર હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વચ્છતા હોય કે શિસ્ત આજે ગામનું દરેક બાળક પ્રત્યેક બાબતમાં હોશિયાર બન્યું છે જેનો સંપૂર્ણ શ્રેય આ શિક્ષકોની ટીમને જાય છે. ઘણીવાર તો એમ થાય કે આજે વાલીઓ ઘરે એક બાળકને પણ માંડમાંડ સાચવી શકે છે જ્યાં આ શાળામાં તો 600થી વધુ બાળકો માત્ર સચવાતા જ નથી પરંતુ શિક્ષિત અને દિક્ષિત થઇ રહ્યાં છે જે માત્ર આ શિક્ષકો જ કરી શકે. આ ગુરુજનોને સો સો સલામ...”
શાળાનાં આચાર્યશ્રી નિલેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, “હું 7 વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું, મારી શાળામાં 17 શિક્ષકો ફરજ બજાવે છે આ તમામ શિક્ષકો એકજૂટ થઇ ટીમ બનીને કામગીરી કરી રહ્યાં છે. સરકારશ્રી દ્વારા શાળાનાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષકોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. અમારી શાળામાં સરકારશ્રીનાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો અમલી છે જેમકે, સ્વરક્ષણ તાલીમ, કિચન ગાર્ડન, ઔષધબાગ વગેરે. બાળકોને પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે તેવી વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે જેમાં શાળાનાં કિચનગાર્ડનનાં શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા શાળાને 4 સ્માર્ટવર્ગો અપાયા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો સરળતાથી અભ્યાસ કરી રહ્યાં છે. અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી બાળકોને શાળાએ આવવું ગમે છે.”
શાળાનાં વરિષ્ઠ શિક્ષકશ્રી રાકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, “આ શાળામાં હું 24 વર્ષથી ફરજ બજાવું છું. શાળાનાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરાઇ છે. અમારી શાળાનાં વિદ્યાર્થીઓ નું રાજ્યકક્ષાનાં વિજ્ઞાનમેળા માં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા માટે શાળા સિવાયનાં સમયમાં ભણાવવામાં આવી રહ્યાં છે જેને પરિણામે અનેક બાળકો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છે. બાળકો શૈક્ષણિક કાર્ય સિવાય મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરે તે માટે શાળા પરિવાર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે પરિણામે આજે 90 ટકા બાળકો મોબાઇલથી દૂર થયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રબળ નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુણવત્તાસભર શિક્ષણની નવતર પરિભાષા વિકસાવતા ગતિશીલ ગુજરાતમાં લાખણકા પ્રાથમિક શાળાએ અનોખી મિસાલ કાયમ કરી છે.