2004 માં આવેલી 'ટારઝન ધ વન્ડર કાર' ફિલ્મ તો સૌને યાદ જ હશે. જે ફિલ્મમાં ડ્રાઈવર વગર ચાલતી કારે સૌનાં દિલ જીતી લીધાં હતાં. જ્યાં આજે પણ ડ્રાઈવર વગર ચાલતી કાર હોય કે અન્ય કોઈ વાહન લોકોના હોશ ઉડાડી દે છે. ત્યારે આવો જ એક કિસ્સો ડીસાના દામા નજીક બન્યો હતો. જ્યાં એક ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરે લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ટ્રેક્ટર ચાલક વગર સીધું આવ્યું અને ગાડીને જોરદાર ટક્કર મારી. તમે 'ટારઝન ધ વન્ડર કાર' તો જોઈ પણ આજે તમે 'ટારઝન ધ વન્ડર ટ્રેક્ટર'ને જોઈ આશ્ચર્યચકિત થઈ જશો.

બનાસકાંઠામાં ડીસા તાલુકાના દામા ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર મારતાં ભાગદોડ મચી ગઇ હતી. આ વિચિત્ર અકસ્માતમાં જાનહાનિ ટળી છે, પરંતુ ગાડી પેટ્રોલપંપની ઓફિસમાં ઘૂસી જતા મોટું નુકસાન થયું હતું. ત્યારે આજુબાજુમાં ઊભેલા લોકો પણ આ ટ્રેક્ટરને આવતું જોઈને અચંબામાં મુકાઈ ગયા હતા. કેમકે ટ્રેક્ટર લગભગ 100 ફૂટ દૂરથી ચાલક વગર ચાલતું આવ્યું હતું.

ટ્રેક્ટરનો ચાલક બેભાન થઈને રોડ પર ઢળી પડ્યા બાદ ટ્રેક્ટર ચાલુ જ રહ્યું હતું અને ચાલક વગર રોડનો ડિવાઈડર ઓળંગીને લગભગ 100 ફૂટ દૂર પહોંચીને ગાડીને ટક્કર મારી છે. દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ચાલક વગરનું ટ્રેકટર કેટલી ઝડપથી આવીને ગાડીને ટક્કર મારી રહ્યું છે. સહુ કોઈને અચંબિત કરી નાંખે તેવાં આ દૃશ્યો છે. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આ વિચિત્ર અકસ્માત ડીસાથી થરાદ જતાં હાઇવે પર દામા ગામ નજીક આવેલ શ્રીરામ પેટ્રોલપંપ પર સર્જાયો હતો. શ્રીરામ પેટ્રોલપંપ પર પાર્ક કરેલી ગાડીને એક ચાલક વગરનું ટ્રેક્ટર અચાનક આવીને ધડાકાભેર ટક્કર મારે છે. આ સમગ્ર ઘટનાના ફૂટેજ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જ્યાં ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર માર્યા બાદ પેટ્રોલપંપની ઓફિસમાં આ ગાડી ઘૂસી ગઇ હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીને મોટું નુકસાન થયું છે.