મહા સુદ આઠમ એટલે કે આઇ શ્રી માં ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાણીમાં ફૂલોના શણગારથી હર્ષોલ્લસભેર ઉજવણી કરાઇ હતી. જેમાં શનિવારે રાત્રે ભજન સંધ્યા (ડાયરો) રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર તરીકે લલિતા પવાર એન્ડ પાર્ટી (જોધપુર), હનુમાનભાઇ (પાલી) અને માલગઢના મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટીએ મોડી રાત સુધી ભક્તજનોને ડોલાવ્યા હતા.

જ્યારે રવિવારે સવારથી દર્શનાર્થીઓએ માતાજીના દર્શન બાધા-આખડી પૂર્ણ કરવા અર્થે તલની સાની અને લાપસી તેમજ નાળિયેરનો પ્રસાદ ધરાવતા હતા. જ્યારે યજ્ઞના મુખ્ય યજમાન દરગાજી પ્રતાપજી પઢિયાર (આશાપુરા) પરિવારના મોતીભાઇ, મોહનભાઇ અને નરસિંહભાઇએ લ્હાવો લીધો હતો. જેમાં આચાર્ય નવિનભાઇ દવેના વેદાંત મંત્રોચ્ચાર સાથે ભાવિક ભક્તોએ યજ્ઞમાં આપી ધન્યતા અનુભવી હતી.

જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીનું બુક અને પેનથી વિશેષ સન્માન કરાયું હતું. ગ્રામજનો અને આઇ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા દર્શનાર્થીઓને ભોજન પ્રસાદમાં 151 કિલોથી વધુની લાપસી પ્રસાદ વહેંચી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા આઇ શ્રી ખોડીયાર યુવક મંડળ-માલગઢ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી.