દાહોદના ગરબાડા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી,શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે ગર્વભેર ત્રિરંગાને ફરકાવી સલામી આપી,રાજ્ય સરકાર કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રણે ક્ષેત્રોમાં સમતોલન સાથે વિકાસ કરવામાં સફળ- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર, (રાજ કાપડિયા 9879106469/સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉલ્લાસભેર સહભાગી બનતા નાગરિકો, દાહોદના ગરબાડા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે ગર્વભેર ત્રિરંગાને ફરકાવી સલામી આપી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીત-સંગીતથી નાગરિકોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. ગરબાડા ખાતે કરવામાં આવેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રણે ક્ષેત્રોમાં સમતોલન સાથે વિકાસ કરવામાં સફળ રહી છે. રાજ્યના સમગ્ર વિકાસ માટે આ ત્રણે ક્ષેત્રોનો વિકાસ થાય એ જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે અને કોરોના સહિતની આવેલી મોટી આફતોનો મુકાબલો કરીને પણ વિકાસની કેડી કંડારી શક્યા છીએ. તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય દેશભરમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ત્યારે રાજ્યમાં યોજાનારી જી-૨૦ સમિટના વિવિધ ચર્ચાસત્રો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નવું ઇજન આપશે. ગુજરાતના ગીફ્ટ સીટી સહિતની બાબતો રાજ્યને દેશ સહિત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉદ્યોગોમાં અગ્રેસર રાખે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ડિજિટલાઇઝેશન તરફ મક્કમ કદમ સાથે આગળ વધી રહી છે. વિવિધ યોજનાઓના લાભો સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે. વિવિધ યોજનાઓનો લાભ પારદર્શક રીતે નાગરિકોને મળી રહ્યો છે. નાગરિકોને ડિજિટલાઇઝેશનથી સમયની બચતની સાથે સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્ર સાથે રાજ્ય સરકાર લોકો સુધી જનકલ્યાણની વિવિધ યોજનાઓ અસરકારક રીતે પહોંચતી કરી રહી છે. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેઝના ત્રીજા આયામમાં આરોગ્ય અને સુખાકારીમાં રાજ્ય વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮૬ ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. અગાઉ ગરીબ દર્દીઓ માટે મોંઘી સારવાર શક્ય નહતી. જયારે હવે પીએમજેએવાય યોજના થકી ગરીબ પરિવારોને સારવાર મળતી થઇ છે. આ યોજના અંતર્ગત રૂ. ૫ લાખની સારવાર નિ:શુલ્ક મળતી હતી. જેનો લાભ વધારીને હવે રૂ. ૧૦ લાખ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આ માટે ૧૯૮૬ સરકારી, ૯૧૫ ખાનગી હોસ્પીટલોમાં આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧.૬૮ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. શિક્ષણમંત્રી શ્રી ડિંડોરે ગરબાડા ખાતે સવારે ૯ કલાકે ધ્વજવંદન કર્યું હતું. આ વેળા રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત નાગરિકો સહિત સૌકોઇ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા થઇ ગયા હતા. શિક્ષણમંત્રીશ્રીએ ત્યાર બાદ યોજાયેલી પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તેમજ પરેડ કમાન્ડર શ્રી એચ.બી. પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. પોલીસ દળની મહિલા પોલીસ જવાનો, જીઆરડી જવાનો, વિદ્યાર્થી કેડેટસ, ઘોડેસવાર સહિતની વિવિધ ૧૦ જેટલી પ્લાટુનો પરેડમાં જોડાઇ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ કચેરીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓને દર્શાવતી ટેબ્લોનું પણ સુંદર નિદર્શન કરાયું હતું. જેમાં આરોગ્ય વિભાગ, પ્રાયોજના વહીવટદાર, નશાબંધી અને આબકારી વિભાગ, એમજીવીસીએલ, પશુપાલન વિભાગ, ડીઆરડીએ, લીડ બેન્ક, આઇસીડીએસ સહિતના વિભાગોએ ટેબ્લો નિદર્શન કર્યું હતું. પ્રજાસત્તાક દિનની ગરબાડા ખાતેની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જેમાં વિવિધ ૧૪ જેટલી ટીમો દ્વારા દેશભક્તિ ગીતો, યોગા ડાન્સ, સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ દ્વારા કરાટે, ડોગ સ્કવોડ, તલવાર નૃત્ય, અશ્વ સ્કવોર્ડ સહિતના પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પોલીસ દળની કરાટેની ટીમ દ્વારા કરાયેલા દિલધડક સ્ટંટથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. તેમજ ડોગ સ્કવોડ અને અશ્વદળના વિવિધ કરતબોથી લોકો પ્રભાવિત થયા હતા. જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા વિવિધ વિભાગોના કર્મયોગીઓનું મહાનુભાવોએ પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓને મંચ ઉપરથી બહુમાન કરાયું હતું. શિક્ષણમંત્રીશ્રીએ કલેક્ટર ડો. ગોસાવીને રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો માટે આપ્યો હતો. તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ સરપંચ તરીકે સીંગવડ દાસાના શ્રીમતી રમીલાબેન ભાભોરને રૂ. ૧ લાખ શ્રેષ્ઠ સરપંચ તરીકે એનાયત કરાયા હતા. તદ્દઉપરાંત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ સરપંચ સહિત વિવિધ વિભાગોના કર્મયોગીઓનું ઉત્તમ કામગીરી માટે સન્માન કરાયું હતું. મહાનુભાવોએ આ વેળા વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇએ કર્યું હતું. આ વેળા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વે શ્રી મહેન્દ્રભાઇ ભાભોર, શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર સહિતના અગ્રણીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.