ડીસા શહેરમાં ફુવારા સર્કલ પાસેથી દિન દહાડે વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈક ચોરી કરનારો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની છે. તેમાં આજે ડીસા શહેરમાં ફુવારા સર્કલ પાસેથી વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બની છે. જેમાં કમલેશ ગેલોત પોતાનું બાઈક ભગવતી જંકશન આગળ પાર્ક કરી કામ અર્થે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી ગયો હતો. જે બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. પરત આવતા જ કમલેશને પાર્ક કરેલી જગ્યાએ પોતાનું બાઈક નજરે ન પડતા બાઈકની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેણે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરતા જ પોલીસે અજાણ્યા બાઈક ચોરની શોધખોળ હાથ ધરી છે.