લીંબડી હાઇવે પર ૬ જાન્યુઆરીના રોજ ચાલુ ટ્રકમાંથી ૧.૦૭ કરોડની ચીજવસ્તુ સહિત વીજ ઉપકરણોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલી મધ્યપ્રદેશની કંજર ગેંગના છ સાગરીતોને પોલીસે ૧૮.૭૨લાખના મુદ્દામાલ સાથે ઇન્દોરમાંથી ઝડપી પાડયા છે. જ્યારે પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.ગઈ ૬ જાન્યુઆરીએ રાતના સમયે લીંબડી નેશનલ હાઈવે પરથી પસાર થતી બંધ બોડીની આઈસર ગાડીનો અજાણ્યા શખ્સોએ બાઈક પર પીછો કર્યો હતો અને ચાલતા આઈસર વાહનની પાછળ ચડી બંધ બોડીના પાછળના દરવાજાના લોક તોડી તેમાં રહેલા ખાનગી કંપનીનો સામાન હેડફોન, પાવર બેંક, લેપટોપ, અલગ અલગ મોડલના ૨૫૯ નંગ મોબાઈલ, પ્રિન્ટીંગ રોલ, ઘડિયાળ, ટેબ્લેટ વગેરે ચીજવસ્તુ મળીને કુલ રૂ. ૧,૦૭,૧૭,૧૩૩ના મુદ્દામાલની સનસનીખેજ ચોરી થઈ હતી. જે અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જિલ્લા પોલીસ વડા દ્વારા ચારાયેલા મુદ્દામાલ તથા આરોપીઓને શોધી કાઢવા લીંબડી ડિવિઝનના નાયબ પોલીસવડા, એલ.સી.બી. પી.આઈ, એલ.સી.બી સ્ટાફ, એસ.ઓ.જી પી.આઈ, લીંબડી ડિવિઝનના પોલીસસ્ટેશનોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ઘટનાસ્થળની મુલાકાત લઈ હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ, ટોલટેક્સ સહિતની જગ્યાઓ ચેક કરી સી.સી.ટી.વી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ પસાર થતા વાહનચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી.તપાસના અંતે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી બાતમી મેળવી હતી કે, મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ આવા ગુનાઓની મોડસ ઓપરેંડી ધરાવે છે, અને આ ચોરી આ ગેંગે જ કરી છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી અને એલ.સી.બીની એક ટીમ બનાવી મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. સુરેન્દ્રનગર પોલીસે ઈન્દોર વિસ્તારમાં ધામા નાંખીને સઘન તપાસ બાદ કંજર ગેંગના સંતોષ લોચન સીગ ભોલિયા સિસોદિયા, પીન્ટુ ઓમપ્રકાશ ધન્નાલાલ રાઠોડ, અન્સારખાન હયાતખાન પઠાણ, વકીલ અહમદ નશીર, અહમદ કરીમબક્ષ, મોહમ્મદ સાજીદ મોહમ્મદ રઈશ અન્સારી અને જાવેદઅલી મકસુદઅલી સૈયદ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.૭,૫૨,૦૯૪ની કિંમતના ૧૨૭ નંગ મોબાઈલ, રૂ. ૧૧,૨૦,૦૦૦ ની કિંમતના ૧૪૦ ટેબલેટ વગેરે મળી રૂ.૧૮,૭૨,૦૯૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં વધુ પાંચ નામ જાણવા મળ્યાં છે. જેમાં મનીષ ઉર્ફે કાળુ મનોહર વીરભારતી, સંજુ ઉર્ફે સંજય ઉર્ફે કાલુ હેમંત કંજર, બંટી ઉર્ફે અરવિંદ કૈલાસચંદ્ર ઝાંઝા, સંદીપ રાજુ ઝાંઝા અને ઓમ પ્રકાશ કાલુરામ મહેશ્વરી નામના શખ્સોનો સમાવેશ થાય છે.

ચોરીમાં કઈકઈ વસ્તુ ગઈ હતી..?

લીંબડી હાઈવે પર ચાલુ વાહને થયેલી ચોરીમાં ખાનગી કંપનીનો સામાન, હેડફોન, પાવરબેંક, લેપટોપ, અલગ અલગ મોડલના મોબાઈલ, પ્રિન્ટિંગના રોલ, ઘડિયાળ, ટેબલેટ વગેરે મળી રૂ.૧,૦૭,૧૭,૧૩૩નો સામાન ચોરાયો હતો. પોલીસે ઝડપી પાડેલા છ આરોપીઓ પાસેથી હાલમાં અલગ અલગ કંપનીનાં ૧૨૭ મોબાઈલ, ૧૪૦ ટેબ્લેટ વગેરે મળી રૂ.૧૮,૭૨,૦૯૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.લીંબડી હાઈવે પર ચાલુ વાહને રૂ. ૧ કરોડથી વધુના મુદ્દામાલની ચોરીના ગુનામાં ઝડપાયેલા મધ્યપ્રદેશની કંજર ગેંગના આરોપીઓ પોતાની મોટરસાઇકલો ટ્રકમાં ચડાવીને અલગ-અલગ રાજ્યોમાં જતા હતા. હાઈવે પર જતા ચાલુ વાહનોનો બાઈક તથા ટ્રક દ્વારા પીછો કરી ચાલુ વાહને વાહનમાં ચડી જઈ વાહનોના લોક તોડી નાખતા હતા. પછી તેમાં રાખેલો કીમતી માલસામાન ઉતારી પોતાની બાઈક કે ટ્રકમાં ચડાવી નાસી છૂટતા હતા. બાદમાં ચોરીનો મુદ્દામાલ અલગ અલગ માણસોને સસ્તામાં વેચી દેતા હતા. આ તેમની મોડસ ઓપરેન્ડી છે.