ભીલડી પંથકની સગીરાને બાજુમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. જેઓ મોબાઇલમાં ચેટ કરતાં હતા. દરમિયાન સગીરાની સગાઇ અન્ય યુવક સાથે થતાં પ્રેમીએ તેણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી મારમારતાં તેણીએ એસિડ પી લીધું હતુ.
જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. આ અંગે શખ્સ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભીલડી પંથકની 17 વર્ષિય સગીરાને બાજુમાં રહેતા દશરથજી વદનજી ઠાકોર સાથે પ્રેમ થયો હતો.
સગીરા મોબાઇલથી તેની સાથે ચેટ કરતી હતી. ફોટા મોકલતી હતી. દરમિયાન સગીરાની સગાઇ અન્ય યુવક સાથે થઇ હતી. આથી તેણીએ દશરથજીને પોતાની સાથે વાતચિત નહી કરવાનું કહી ભૂલી જવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને સગીરાનો પીછો કરી, તેણી રાત્રે સૂતી હતી ત્યારે ઘરે આવી છેડતી કરી હતી.
ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી લાગી આવતાં સગીરાએ ઘરે એસિડ ગટગટાવ્યું હતુ. જેને પરિવારજનો ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ અંગે દશરથજી ઠાકોર સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.