પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે જન જાગરણ અને જન સુનાવાણી કાર્યક્રમ કલેકટર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

            પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે છોટાઉદેપુર જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને જન જાગરણ અને જન સુનાવણી કાર્યક્રમ યોજાયો જેમાં સરકારી યોજનાના ૪૭ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહી તાત્કાલિક કિસાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

              પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ જાન્યુઆરીએ મોડી સાંજે પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે જન જાગરણ અને જન સુનાવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓ ગામડાના છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે આશયથી સરકારની વિવિધ યોજનાઓ તેમજ સરકારી સંસ્થાના ૪૭ જેટલા અધિકારીઓને ઉપસ્થિત રાખી જનજાગરણ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત અધિકારીઓએ પોતાના વિભાગની સરકારી યોજનાઓની વિસ્તારથી સમજ આપી હતી. એ યોજનાઓમાં ઉપસ્થિત ખેડૂતોને કોઈક ત્રુટી અથવા સમસ્યા હોય તો તેનું પણ નિરાકરણ લાવવાનો કલેક્ટર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

           તારાપુર મુકામે ઉપસ્થિત કિસાનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીને સંલગ્ન કેટલા સવાલો કર્યા હતા. ખેતરોમાં થાંભલા તેમજ વાયરો નમી ગયા છે જેનાથી મોટી હોનારતનો ભય છે. તેમજ દિવસના સ્થાને રાત્રે ખેતી માટે વીજળી મળે તેવી માંગ કરી હતી. સાથે સાથે ફેન્સીંગ વાળમાં પાંચ હેક્ટર જેટલી જગ્યા એટલે કે ૧૦ થી ૧૨ એકર જેટલી જમીન હોય તો જ ફેન્સીંગ વાળની યોજના નો લાભ મળે છે તો તેના સ્થાને એક સર્વે દીઠ આ યોજનાનો લાભ મળે તો નાનામાં નાના કિસાનોને પણ આનો ફાયદો થશે. જે અંગે કલેક્ટર રજૂઆત સાંભળી ઘટતું કરવાની બાહેધરી આપી હતી. સાથે સાથે તારાપુર નજીકથી નેશનલ હાઇવે નંબર ૫૬ નીકળવાનો હોય તો જે કિસાનોની જમીન આ રોડમાં જાય છે તે કિસાનોને જમીનનું વળતર વધુ મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. 

          આમ, પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે જનજાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓની રજૂઆતો કરી હતી ત્યારે વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી તેનો તાત્કાલિક નિકાલ આવે તેવું આયોજન છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.