મંગળવારે મહેસાણા જિલ્લા પોલીસનો રમતોત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં 12 અલગ અલગ રમતોમાં જિલ્લાના 200થી વધુ પોલીસ કર્મચારીઓએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. મહેસાણા જિલ્લા પોલીસનો રમતોત્સવ-2023 મંગળવારે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. પરેડ માર્ચ અને મશાલ પ્રજ્જવલિત કર્યા બાદ રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.

વોલીબોલ, રસ્સાખેંચ, બેડમિન્ટન, તિરંદાજી, ભાલાફેંક, ગોળાફેંક, મહિલા અને પુરુષોની 100 મીટર દોડ, 400 મીટર દોડ, બરછીફેંક, ચેસ સહિત 12 રમતોમાં પીઆઈથી લઇ કોન્સ્ટેબલ સુધીના 200થી વધુ એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓ અને પોલીસ મથકના કર્મીઓએ ભાગ લીધો હતો.

તમામ રમતોમાં પ્રથમ નંબરે આવેલા કર્મચારીઓને રેન્જ આઇજીના હસ્તે સન્માનિત કરાયા હતા. એસઓજી અને મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ વચ્ચે રસ્સાખેંચમાં ભારે રસાકસી બાદ એસઓજીની ટીમની હાર થઈ હતી. જ્યારે ગોળાફેંક સહિતની રમતોમાં આઈજીએ જાતે પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.