પાવીજેતપુર થી રતનપુર જતા ઓરસંગ નદીના ઉપર બનેલ રતનપુર પુલ ના પીલરો ના સળિયા રેતી ધોવાન ના કારણે તેમજ વધુ પડતું રેતી ખનન થવાના કારણે બહાર આવી જતા પુલ ના ફાઉન્ડેશનના રીપેરીંગ કામ માટે રૂપિયા 3 કરોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તેમજ આ પુલ પરથી ભારદારી વાહનો માટે એક મહિનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનનનો ધંધો ખૂબ વધી ગયો છે ત્યારે પાવીજેતપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપર બનાવેલ રતનપુર પુલ ના લાંબા સમયથી પિલરોના ફાઉન્ડેશનના સળિયા નીકળી જઈ ખસ્તા હાલત થઈ જવા પામી હતી. જે અંગે આ વિસ્તારના સજાગ નાગરિક અને વકીલ એવા લલિતભાઈ રોહિત દ્વારા અવારનવાર ઉચ્ચ સ્તરે સરકારમાં લેખિત રજૂઆતો કરવામાં આવી હોય તેમજ અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા સરકારને ધ્યાને આવતા. આ રતનપુર પુલ નીચે આવેલા પીલરોની હાલત યુદ્ધના ધોરણે રીપેર કરવા માટે રૂપિયા ત્રણ કરોડ ફાળવતા જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પુલ ઉપરથી રોજના હજારો વિહિકલો પસાર થતા હોય ત્યારે વાહન ચાલકોને પણ તકલીફ ન પડે તે માટે અગાઉથી જિલ્લા કલેકટરે જાહેરનામું પાડી દઈ રીપેરીંગ કામ કરવા માટે એક મહિના માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર-ચલામલી રોડ પર ઓરસંગ નદી પર આવેલ લેવલ બ્રીજ ઉપર રીપેરીંગ કામ કરવાનું હોવાથી તા. ૧૨ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ભારે વાહનો માટે અવર જવર બંધ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું છોટાઉદેપુર જીલ્લાના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાનના અભિપ્રાયથી બહાર પાડવામાં આવેલ છે. ઉપરોક્ત જણાવેલ તારીખો દરમિયાન વાહનોની અવર જવર માટે વૈકલ્પિક રૂટ મુજબ વાહનોનું ડાઈવર્ઝન કરવામાં આવેલ છે. આ ડાઈવર્ઝન કરેલા રૂટ પર તમામ રસ્તા પર નાનું મોટું રીપેરીંગ કરીને આ રૂટને પહેલા સજ્જ કરવામાં આવેલ છે. આ રૂટ કવાંટથી પાવીજેતપુર તરફ આવતા ભારે વાહનોને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થઈ જમણી બાજુ વળી પાવીજેતપુર તરફ જઈ શકાશે. પાવીજેતપુર થી કરાલી, કવાંટ તરફ જતા ભારે વાહનોને કોર્ટ બિલ્ડીંગ પાવીજેતપુર સામેથી નાલેજ-પીપલેજ-હરવાંટ-રતનપુર રોડથી છોટાઉદેપુર તરફ તેજગઢ ઓરસંગ બ્રીજ પર થઈ નેશનલ હાઈવે પરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ શકાશે.
આ જાહેરનામાના હુકમના ભંગ બદલ પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.
આમ, પાવીજેતપુર નજીક રતનપુર પુલમાં ફાઉન્ડેશનના ફાઈલના સળિયા બહાર નીકળી ગયા હોવાના કારણે ફાઉન્ડેશન રેસ્ટોરેશન માટે કોન્ટ્રાક્ટર એજન્સી ફિક્સ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા 3 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવવામાં આવ્યા છે. ફાઉન્ડેશનના ફાઇલમાં સળિયા બહાર નીકળી ગયા હોય તેને કોન્ક્રીટ જેકેટિંગ કરી રીપેરીંગ કામ કરવામાં આવનાર છે.