ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામ નજીકના પાંચ પીપળવા ગામની સીમમાં આવેલા ખેડુતની વાડીએ રાખેલા પાંજરામાં ખુંખાર દીપડો કેદ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, પાંચ પીપળવા ગામની સીમમાં હજુ પણ અનેક દીપડાઓ આંટાફેરા કરી રહ્યા હોવાથી ભયભીત બનેલા ખેડુતો વાડીએ જતાં ડરની લાગણી અનુભવી રહ્યા છે. આ વિસ્તારમાં વનવિભાગ દીપડાઓને પકડવાની મુહિમ ચાલુ રાખે તેવી માંગણી કરી રહ્યા છે.ગીર સોમનાથના ડોળાસા ગામ નજીક આવેલા પાંચ પીપળવા ગામના સીમ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અનેક ખૂંખાર દીપડાઓ આંટાફેરા કરી રહ્યાં હતા. જેમાં કેટલીક વાર તો સમી સાંજે પણ દીપડાઓ દેખા દેતા અનેકવાર માલઢોરોનું પણ મારણ કરી રહ્યા હતા. જેના કારણે વાડીએ રહેતા ખેડુતો અને ગામમાંથી આવન જાવન કરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી. આ બાબતે ગ્રામજનોએ દીપડાઓને કેદ કરવા વનવિભાગને જાણ કરી હતી.જેના પગલે જામવાળા વનવિભાગ

રેંજના ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડ, અંકિતભાઈ રાજપુત, ટ્રેકર અલીભાઈ, જીતુભાઈ મોરી સહિતનાઓએ સ્થળ મુલાકાત કરીને સીમ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ મારણ સાથેના પાંજરા ગોઠવીને દીપડાઓને કેદ કરવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન પાંચ પીપળવાના સીમ વિસ્તારમાં આવેલ ખેડુત હિરેનભાઈ ડોડીયાની વાડીના શેઢા ઉપર રાખવામાં આવેલ મારણ સાથેના પાંજરામાં મારણની લાલચે ગત મોડીરાત્રીના સમયે એક ખૂંખાર દીપડો પાંજરામાં આવીને કેદ થઈ ગયો હતો. બાદમાં આજે સવારે દીપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવા વનકર્મીઓએ કવાયત હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે, પાંચ પીપળવા ગામના સીમ વિસ્તારમાં સિંહ, દીપડા જેવા પ્રાણી-પશુઓને પાણી અને મારણ સરળતાથી મળી રહેતું હોવાની સાથે રહેવા માટે ઉત્તમ જગ્યા મળી રહે છે. જેથી કાયમી માટે આ વિસ્તારમાં દીપડાઓ અને સિંહો ધામા નાંખીને પડ્યા પાથર્યા જોવા મળે છે. જેમાંથી ક્યારેક દીપડાઓ હિંસકવૃત્તિ કરીને લોકો ઉપર હુમલાઓ કરે છે. ત્યારે ચાર દિવસ પહેલા આ વિસ્તારમાંથી દીપડો કેદ થયો હતો. હજુ આ વિસ્તારમાં અનેક દીપડાઓ ફરી રહ્યા હોવાથી વનવિભાગ પાંજરે પુરવા માટે અભિયાન ચલાવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યાં છે. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના