“सेवा परमो धर्मः” ૧૫ જાન્યુઆરી “ભારતીય સેના દિવસ

“જય હિન્દ એટલે ભારતનો વિજય” સુભાષચંદ્ર બોઝના આ સૂત્રને પૂરી રીતે આત્માસાત કરનાર કે.એમ કરિઆપ્પાની યાદમાં ઉજવાઈ છે “ભારતીય સેના

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાન અને રણના તાપમાં અડીખમ ભારતીય સેનાના ઝાંબાઝ સૈનિકો

આલેખન: રિધ્ધિ ત્રિવેદી

વીરતા, અદમ્ય સાહસ, શૌર્ય, દ્રઢ સંકલ્પ અને સમર્પણ આ શબ્દોને એક માળામાં પરોવામાં આવે એટલે ભારતીય સેના. સેનાના આવા જ એક સૈનિક ફિલ્ડ માર્શલ અને તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિઅપ્પાની યાદમાં ૧૫ જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.

ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પછી પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર કે.એમ. કરિઅપ્પાએ ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ સંભાળ્યો હતો.

ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પાનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૮૯૯ના રોજ કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લાના ખેડૂત પરિવારમાં થયો હતો. ભારતીય સેનામાં જોડાઈને સ્વતંત્ર ભારત પહેલા સેનામાં ખુબ સારા કાર્ય કર્યા અને આઝાદ ભારતમાં પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ તરીકે કાર્ય કર્યું હતું.

આ ગૌરવશાળી દિવસે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ તમામ મુખ્યાલયમાં પરેડ અને અન્ય લશ્કરી પ્રદર્શનોના રૂપમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે આર્મી પરેડ પ્રથમ વખત બેંગલુરું ખાતે ભારતીય સેના દિવસ ઉજવવામાં આવશે. જેમાં દેશના વિવિધ ક્ષેત્રના નાગરિકો પરેડ નિહાળવા આવશે. આ ઇવેન્ટમાં બહાદુર સૈનિકોએ દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે. આ દિવસે આર્મીની ઈન્વેન્ટરી રાખવામાં આવે છે જેમાં વિવિધ હથિયાર પ્રણાલીઓ પ્રદર્શન તેમજ મોટરસાઇકલ ડિસ્પ્લે, પેરામોટર્સ અને કોમ્બેટ ફ્રી ફોલ જેવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન યુવા પેઢીઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવશે.

આર્મી ચીફ દ્વારા સેનાના જવાનો અને એકમોની બહાદુરી તથા પ્રશંસનીય સેવાઓ માટે સંખ્યાબંધ વીરતા પુરસ્કારો અને યુનિટ પ્રશસ્તિપત્રો પણ પ્રદાન કરવામાં આવશે.

ઇન્ડિયન નેશનલ આર્મીનું સ્લોગન “જય હિન્દ” એટલે “ભારતનો વિજય” કરિઅપ્પાએ અપનાવ્યું હતું. ત્યારબાદ તે સ્લોગન દરેક કર્મચારીઓ વચ્ચે એકબીજાને અભિવાદન પાઠવવા ઔપચારિક શબ્દસમૂહ બની ગયો હતો. આ ઉપરાંત દરેક સરકારી પ્રવચન પૂર્ણ થયા બાદ પણ “જય હિન્દ” શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. માત્ર પિતા જ નહિ પરંતુ પુત્રમાં પણ દેશભક્તિનો સંચાર થયો હતો.

કે.એમ. કરિઅપ્પાના પુત્ર “નંદા” પણ સૈન્યમાં જોડાયા હતા. તેઓ ભારતીય વાયુસેનામાં એર માર્શલના હોદ્દા પર કાર્યરત હતા. વર્ષ ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન તેમના પુત્ર નંદાને પાકિસ્તાને ઠાર માર્યા હતા. ત્યારબાદ પકડીને યુદ્ધ કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. કારગીલ ખાતે ઘાયલ સૈનિકની ઓળખની જાણ થતાં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાને પોતે જનરલ કરિઅપ્પાનો સંપર્ક કર્યો હતો. તેમના પુત્રની સલામતી વિશે માહિતી આપી તેમના પુત્રને તરત જ મુક્ત કરવાની ઓફર કરી હતી. એ સમયે કરિયપ્પાએ આ ઓફરની મજાક ઉડાવીને કહ્યું કે તેમના પુત્રને અન્ય યુદ્ધ કેદી કરતાં વધુ સારી સારવાર ન આપવામાં આવે તેમજ કરિઅપ્પાએ જવાબ આપતા કહ્યું હતું કે, “તે હવે મારો પુત્ર નથી. તે આ દેશનો પુત્ર છે, એક સાચા દેશભક્તની જેમ પોતાની માતૃભૂમિ માટે લડતો સૈનિક છે. તમારી દયાળુ હરકતો માટે ખૂબ આભાર, પણ હું તમને વિનંતી કરું છું કે બધા યુદ્ધ કેદીઓને છોડો અથવા કોઈને ન છોડો પણ નંદાને કોઈ ખાસ સેવા ન આપો.