આજે ઉત્તરાયણનું મહાપર્વ છે અને વાતાવરણમાં કોઈ ઉત્સાહ જોવાતો નથી.
આપણાં બીબાઢાળ જીવનમાં ઉત્સાહના વર્ધન માટે આપણા પૂર્વજોએ જે તે તહેવારો બનાવ્યા અને જે તે તહેવારની ઋતુને અનુલક્ષીને તે ટાણે માનવશરીરને ફાયદેમંદ થાય તેવી ખાણીપીણીનું આયોજન થયું હશે. જેમકે ઉત્તરાયણ ટાણે ઠંડી ઉડાડે તેવા તલસાંકળી, ઉંધીયું, જલેબી કે લીલવાની કચોરી વગેરેનું મહત્વ થયું કે હોળીના સમયે કફનાશક ખજૂર કે ધાણીચણાનું મહત્વ જોવા મળે છે.
રંગબેરંગી પતંગને આભમાં છેક ઉંચે ચગાવવાની અને પેચ લડાવવાની મજા સાથે ગૌસેવા કે દાનપૂણ્યની ગાથાઓ સાથે સંકળાયેલ ઉત્તરાયણના આ તહેવાર ટાણે પર્વોની ઉજવણી સંદર્ભે મનોમંથન કરીએ તો...
અગાઉની ઉત્તરાયણ સાચા અર્થમાં ઉત્સાહથી છલકતી ઉત્તરાયણ હતી. દિવાળી પતે તેની સાથે જ પતંગનું મહત્વ સ્થાપિત થતું જાય કે હોળીના મહિના અગાઉથી હોળીનું મહત્વ જણાતું થાય તેવો તહેવારોનો દબદબો હતો. તે બદલે હવે આધુનિક જમાનાને આનુષાંગિક ઉપાર્જન કરવા માટે લોકો વધુ વ્યસ્ત બન્યા છે. તો સાથે સાથે ઈન્ટરનેટ આવ્યા બાદ મોબાઈલ અને કમ્પ્યુટર આપણો બચતો બાકીનો સમય "ખાઈ" જાય છે. તો શિક્ષણનું મહત્વ વધતા આવા સમયે પરીક્ષાઓ પણ આવી જાય છે. ટૂંકમાં ભણતરનો ભાર, મોંઘવારી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં સમયનો અભાવ; આ ત્રણેય ફેક્ટર્સ ઉજવણી સંદર્ભે આવેલ રસહીનતામાં મહત્વનો ભાગ ભજવે છે અને એટલે જ હોળી હોય કે ઉત્તરાયણ બધું 'વન- ડે મેચ' જેમ થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોના તહેવારો ઉપર દ્રષ્ટિપાત કરીએ તો, હવેના સમયમાં તહેવારો ફક્ત ખાનાપૂર્તિ કરવા ઉજવાતા હોય તેમ લાગે છે. આપણી સંસ્કૃતિને બચાવવી હશે તો તહેવારો બચાવવા પણ એટલા જ જરૂરી છે.
સાવ ઘેટાંની માફક આપણે તહેવાર ઉજવી દઈએ તે બદલે નવી પેઢીને તહેવાર પૂર્વે જ એ તહેવાર સાથે વણાયેલી કથા, તે સમયે જે તે ખાણીપીણીનું મહત્વ કેમ છે અને હજુ તેમાં આપણે નવું શું કરી શકીએ તેની વાતો કરવાથી નવી પેઢીને તહેવાર વિશે જાણકારી મળશે અને તે ઉજવવાનો ઉત્સાહ વધશે. આપણા સમર્થ સાહિત્યકાર કાકા કાલેલકરે ક્યાંક લખેલું યાદ આવે છે કે "વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં, અને અજગરની પેઠે પડ્યાં રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ થઈ પડ્યું છે. આવી હાલતમાંથી તહેવારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે."
આપણી ખરેખર મહાન એવી સંસ્કૃતિના ઢોલ આપણે જ પીટવા પડશે. અમેરિકા કે ચીનેઓ નહીં પીટે!
બાય ધ વે, ઉત્તરાયણના પર્વ ટાણે ઘરે પરંપરાગત રીતે બનતી ચીકી અને તલસાંકળી મન અને પેટ ભરીને માણી. અને ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પવનની સાથે થોડોઘણો ઉત્સાહ પણ વર્તાતા મિત્રો સાથે પતંગબજારનો માહોલ માણ્યો તેની તસવીરો પ્રસ્તુત છે.