બનાસકાંઠા જીલ્લામાં ચાઇનીઝ દોરીથી બનતાં અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું જાહેર કર્યું છે. બહાર પાડેલા જાહેરનામા અનુસંધાને ચાઇનીઝ દોરી અને તુક્કલ વપરાશ અને વેચાણ કરતાં શખ્સો સામે પોલીસે 25 જેટલાં કેસ કર્યાં છે. જ્યારે કુલ રૂ. 2,33,330 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લામાં ઉત્તરાયણ પૂર્વે જીલ્લા પોલીસ ચાઇનીઝ અને તુક્કલ વપરાશ કરનારા કે વેપાર કરનારા શખ્સો સામે તવાઇ બોલાવી છે. સરહદી રેન્જ કચ્છ ભૂજ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા અક્ષયરાજ મકવાણાએ મેજીસ્ટ્રેટના જાહેરનામાનું કડક પાલન કરવા પોલીસ સ્ટાફને સુચનો આપ્યા છે. જો કોઇ પતંગ ચગાવવાના માઝા અથવા દોરી કે જે નાયલોન અથવા સિન્થેટીક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય દોરી સાથે કોઇ ઝડપાય તો તેની સામે કડક કાર્યવાહી કરવા સુચનો કર્યાં છે.

અધિકારીના સુચન મુજબ ચાઇનીઝ દોરી અને તુક્કલ વપરાશ કે વેચાણ કરતાં શખ્સો પર કુલ 25 જેટલાં કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ રૂ. 2,33,330 જેટલો મુદ્દામાલ જપ્ત લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.