સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી પહોંચાડાયા
રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી શરૂ કરવામાં આવેલ ભારત જોડો પદયાત્રાના સમર્થનમાં આજરોજ કામરેજ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં કામરેજ પલસાણા માંગરોળ સહિતના કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રાના સમર્થનમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ પદયાત્રા કાઢવામાં આવી હતી. પદયાત્રા લસકાણા ગામ રામદેવપીરના મંદિરથી શરૂ કરી કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ થઈ નનસાડ ગામથી બાપા સીતારામ ચોક થઈ સત્યમનગરથી વાવ ગામ એસઆરપી ગ્રુપ થઈ નવાગામ ખાતે મહાકાળી માતાના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ભારત જોડો પદયાત્રાના સમર્થનમાં યોજવામાં આવેલ 15 કિલોમીટરની પદયાત્રાને ખૂબ મોટી સંખ્યામાં આવકાર અને જન સમર્થન મળ્યું હતું. પદયાત્રાનું કામરેજ વિધાનસભામાં ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા પદયાત્રામાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.