મહેસાણા : મહેસાણામાંથી છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંકને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગયાની ઘટના બની છે. મહેસાણાના બિલ્ડરે ના કોઈ OTP આપ્યો હતો કે ના કોઇ લિંક પર ક્લિક કર્યું હતું છતાં ગઠિયાઓએ માત્ર 30 મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. બેંકમાં ખાતાની વિગત જાણવા બેંકમાં ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

મહેસાણા શહેરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઈ પટેલ એક મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વાત જાણે એમ છે કે, 21 તારીખે દુષ્યંતભાઈ પટેલ પોતાની ઓફિસે હાજર હતા. આ દરમિયાન બપોરના સમયે વાગ્યે તેમના ફોન પર રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તરત જ બીજા 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં બિલ્ડર ચોકી ઊઠ્યા હતા અને તેઓ તાત્કાલિક પાચોટ નજીક આવેલી ICICI બેંકમાં પહોંચ્યા હતા, જ્યાં જઇ પોતાનું ખાતું બંધ કરવાની પ્રોસેસ શરૂ કરી હતી. જોકે આ દરમ્યાન ફરી એકવાર 17 લાખ રૂપિયા ડેબિટ થયાનો ત્રીજો મેસેજ પડતાં દુષ્યંતભાઈ પટેલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના એકાઉન્ટમાંથી તબક્કાવાર મોટી રકમનો ઉપાડ શરૂ થતાં ચોકી ઉઠેલા દુષ્યંતભાઈ બેંકમાં દોડી જતા વધુ રકમ ટ્રાન્સફર થતાતો બચી ગઈ છે. પણ આ 37 લાખ કેવી રીતે બીજા ખાતાઓમાં પહોંચી ગયા તેનો જવાબ નથી તો બેન્ક પાસે કે નથી પોલીસ પાસે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક બેંકને જાણ કરવામાં આવતાં બેંક કર્મચારીઓએ વેપારીને જણાવ્યું કે, તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. બિલ્ડરે બેંકની ઓનલાઈન એપ્લિકેશનમાં પોતાનું યુઝર આઈડી પાસવર્ડ નાખતાં એપ્લિકેશન પણ ખૂલી નહોતી, જેથી બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવી દીધું હતું.

ICICI બેંકમાં તપાસ કરતાં ફ્રોડ થયાનુ જણાઇ આવ્યુ હતું. ICICI બેંક એકાઉન્ટમાંથી માંથી સંમતિ કે જાણ બહાર અલગ-અલગ કુલ ત્રણ ટ્રાન્જેકશન દ્રારા કુલ રૂપીયા 37 લાખ નુ ફ્રોડ થઈ જતા તપાસને અંતે  ખાતામાંથી કપાયેલ પૈસા ICICI બેંક્ના અન્યના ખાતા નંબરમાં ટ્રાન્સફર થયેલાનું સામે આવ્યું હતું. આ ત્રણેય ટ્રાન્જેક્શન માટે ફરીના બેંક રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર કોઇપણ પ્રકારના ઓ.ટી.પી. કે કોઇ ફ્રોડ કૉલ કે કોઇ ફ્રોડ લીંક પણ આવેલ ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.