સમાજમાં પ્રામાણિક લોકોના સમયાંતરે ઉદાહરણો જોવા મળે છે.જેથી માનવતા જીવતી હોવાનું જણાઈ આવે છે. ત્યારે ડીસામાં પણ એક બસ કંડક્ટરે બસમાં ભૂલી ગયેલા મોબાઈલ અને પર્સ મૂળ માલિકને પરત આપી વધુ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને મહિલા મુસાફરે પણ પોતાનો સામાન પરત મળતા બસ કંડક્ટરનો આભાર માન્યો હતો.
અમદાવાદથી ડીસા આવતી બસમાં સીમાબેન અરૂણભાઇ પુરોહિત મુસાફરી કરી રહ્યાં હતા. જેઓ ગીતા મંદીરથી બેસી ડીસા આવ્યા હતા. તે દરમિયાન તેઓ પૈસા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ અને મોબાઈલ બસમાં જ ભૂલીને ઉતરી પોતાના ઘર તરફ જવા નિકળી ગયા હતા. થોડા સમય બાદ તેમને ખ્યાલ આવતા જ તેઓ તરત જ ડીસા બસ સ્ટેન્ડ પરત આવ્યા હતા. તે સમયે બસમાં તપાસ કરવા જતાં કંડક્ટર રાજુભાઇ રાઠોડે તરત જ તેમને બોલાવી તેમનું મોબાઈલ અને પૈસા ભરેલું પરત આપી એક નિષ્ઠાવાન અને પ્રમાણિક કર્મચારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બસ કંડક્ટરની પ્રમાણિકતા જોઈ મૂળ માલિકે પણ બસ કંડક્ટર રાજુભાઇ રાઠોડનો આભાર માન્યો હતો.