રાજસ્થાનના સીકર જિલ્લાના કુખ્યાત ગેંગસ્ટર રાજુ ઠેહરની હત્યાના આરોપીને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને રાજસ્થાન પોલીસે આપેલી માહિતીના આધારે દીલઘડક રીતે આરોપી વિજયપાલ બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. 

ઘટનાની વિગત એવી છે કે, ગત 23 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સીકરમાં રાજુ ઠેહરને ગોળી ધરબી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાજુની હત્યાના ગુનામાં સંડોવાયેલા બિશ્નોઈ ગેંગના રોહિત ગડારા અને તેના સાગરિતોને રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા હતા.
વિજયપાલને ઝડપવા માટે કાર્યરત રાજસ્થાન પોલીસને માહિતી મળી હતી કે, વિજયપાલ ગુજરાતમાંથી પસાર થવાનો છે. આ માહિતી મળતા રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસને માહિતી આપી હતી કે, આરોપી વિજયપાલ બિશ્નોઈ બીકાજી કંપનીના ટ્રકમાં ખેડાથી બીકાનેર જવાના માર્ગે મહેસાણા ટૉલ પ્લાઝા પરથી પસાર થવાનો છે. માહિતી મળતા જ ગુજરાત એટીએસની ટીમે માહિતીના સ્થળ આસપાસ વૉચ ગોઠવી દીધી હતી.

વૉચમાં રહેલા ગુજરાત એટીએસના અધિકારી અને કર્મચારીઓએ મહેસાણા ટૉલનાકા પાસે આવેલી ટ્રકને રોકી લીધી હતી. ટ્રકમાં રહેલા બે શખ્સોને અટકાવી તેમની ઓળખ કરતા આરોપી વિજયપાલ બિશ્નોઈ ઝડપાઈ ગયો હતો. બાદમાં એટીએસની ટીમે આરોપી વિજપાલની ધરપકડ કરી તેને અમદાવાદ ખાતે લાવી રાજસ્થાન પોલીસને જાણકારી આપી હતી. ગુજરાત પોલીસે ઝડપેલા વિજયપાલને હાલ રાજસ્થાન પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.