બનાસકાંઠા જિલ્લાના ભાભર-સુઇગામ નેશનલ હાઈવે ઉપર રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુઇગામ તાલુકાના જોરાવરગઢના વાંઢીયાપુરા પાસે અચાનક ડમ્પરમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી. ડમ્પરમાં આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા.
ભાભર-સુઈગામ નેશનલ હાઇવે પર રેતી ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે અફરા-તફરી મચી હતી. આગ લાગતા જ ડમ્પર ચાલકે ડમ્પરને રોડની સાઈડમાં કરી નાખ્યું હતું. આગને પગલે ધૂમાડાના ગોટે ગોટા જોતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ બુજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગ કાબુમાં ન આવતા ટેન્કરો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ભાભર નગરપાલિકાની ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી. ડમ્પરમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.