ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ ઉપર ચાઈના દોરી, નોન પ્રતિબંધિત સિંથેટિક દોરી, બાયોડીગ્રેડેબલ ગ્લાસ મટીરીયલથી કોટિંગ કરેલી દોરી પર પ્રતિબંધ લગાવવા અને આ પ્રકારની દોરી બનાવનાર, વેચનાર અને ઉપયોગ કરનાર તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અંગે ડીસા સબ ડિવિઝનલ કોર્ટમાં 10 જાગૃત નાગરિકોએ ફરિયાદ નોંધાવી છે.

ડીસા સબ ડિવિઝનલ કોર્ટમાં જાગૃત નાગરિકો દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઓફ ઈન્ડીયા દ્વારા વર્ષ 2017માં સમગ્ર ભારત દેશમાં પેટ કાયદા હેઠળના ચુકાદાથી પતંગ ઉડાવવા માટે વપરાતી સિંથેટિક દોરી, ચાઇનીઝ દોરી તરીકે ઓળખાતી દોરી અને નોન-બાયોડીગ્રેડેબલ મટીરીયલથી કોટેડ દોરી બનાવવા અને વેચવા તેમજ ઉપયોગ કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે. 

હવે ઉતરાયણનો પર્વ આવી રહેલ હોઈ કપાયેલી પતંગો સાથે સદર પ્રતિબંધિત દોરી ઠેર-ઠેર ડીસા શહેરમાં જોવા મળી રહ્યી છે. જેથી આ દોરી ડીસા શહેર અને તાલુકાના આજુબાજુના વિસ્તરોમાં ચોક્કસ પ્રતિબંધિત દોરીનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રતિબંધિત કૃત્ય કરનારાઓ સામે પ્રવર્તમાન કાયદાઓ જેમાં પર્યાવરણ સુરક્ષા ધારો, પશુ પર ક્રૂરતા નિવારણ ધારો, વન્ય જીવો સંરક્ષણ ધારો, ઇ.પી.કોની કલમ 188, 336, 428, 429 તથા ક્રિમીનલ પ્રોસિઝર કોડ અન્વયે સમગ્ર સદર પ્રતિબંધિત દોરી બનાવતા, વેચતા, ખરીદતા તેમજ ઉપયોગ કરતા ઈસમો સામે લોકહિતમાં ધોરણસરની કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસ અને તંત્રની બને છે. તેમ છતાં શહેરમાં તેનું ખુલ્લેઆમ વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. જેથી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્સ ઓફ કોર્ટની કાર્યવાહી હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા થઈ શકે છે.

ડીસા શહેર તેમજ જિલ્લામાં આ પ્રકારની પ્રતિબંધિત દોરી બનાવનાર, વેચનાર, ઉપયોગ કરનાર ઈસમોના કારણે ડીસા શહેર તથા તાલુકાના લોકો, પક્ષીઓ તથા પશુઓ જિંદગી અસલામત બનતી હોઈ છે. તેમજ પર્યાવરણ પણ દુષિત બનતું હોઈ, સાર્વજનિક ત્રાસ થતો હોઈ તેને ત્રાસ રોકવામાં ન આવે તો ગમે ત્યારે કોઈ પણ નાગરિક, પક્ષી અને પશુએ જીવ ગુમાવવો પડે કે ઈજાગ્રસ્ત થાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. તાત્કાલિક તેના ઉપર પ્રતિબંધ તેમજ તે બનાવનાર વેચનાર કે ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીસાના 10 જેટલા જાગૃત નાગરિકો દ્વારા સામૂહિક ફરિયાદ કરી છે.