વિસનગર શહેરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. શહેર પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલા સુંશી રોડ પર આવેલ રહેણાંક મકાન નજીક રેડ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડનો 95 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 32 હજારનો તેમજ ગાડી મળી કુલ 4.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જેમાં ગુનો નોંધી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

શહેર પોલીસ PI એસ. એસ. નિનામાની સૂચના અનુસાર શહેર PSI એન. એન. ગોહેલ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન સુંશી રોડ પર આવેલ ચામુંડાનગર સોસાયટીમાં રહેતા રાઠોડ સંજયસિંહ વિનુસિંહ અને રાઠોડ અજયસિંહ વીનુસિંહ ભાડેથી રાખેલ મકાન પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે શહેર પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરતા ઘર આગળ ટાટા ટિયાગો ગાડી નંબર જી.જે.02.ડી.એ.8202 પડી હતી. જ્યાં ગાડીની તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 95 બોટલ મળી આવી હતી. જ્યારે મકાન આગળથી સંજયસિંહ વિનુસિંહ અને અજયસિંહ મળી આવ્યા ન હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 32હજારથી વધુનો વિદેશી દારૂ અને ગાડી કિંમત 4.50 લાખ મળી કુલ રૂ. 4.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ આ બનાવ અંગે પોલીસે ફરાર રાઠોડ સંજયસિંહ અને અજયસિંહ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.