બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી કુલ પાંચ જેટલા ઈસમને દારૂની હેરાફેરી કરતાં વાહનો સાથે ઝડપી પાડ્યાં છે. જેમાં વાસણ ચેકપોસ્ટ પરથી, થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, ચિત્રાસણી અને કરજોડા નજીકથી દારૂની બોટલો સહિત ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસણ ચેકપોસ્ટ પરથી ગાડીમાંથી ધાનેરા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ગાડીમાંથી દારૂની 690 જેટલી બોટલો પોલીસે કબજે કરી કુલ 6 લાખ 63 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગાડી ચાલક હિતેશ લઠવાળ હરિયાણાના ઈસમની અટકાયત કરી ધાનેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે એક દારૂ ભરેલી ગાડી સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે. ગાડીમાંથી 557 બીયરની બોટલો સહિત કુલ મુદ્દામાલ 3 લાખ 63 હજાર 756 રૂપિયા કબજે લઈ ગાડી ચાલક સુરેશ રાજપુત, વાવ તેમજ જયકુમાર મોડિયા, પારસનાથ સોસાયટી થરાદની અટકાયત કરી એલસીબી પોલીસે થરાદ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ચિત્રાસણી તેમજ કરજોડા ગામ નજીકથી બે દારૂ ભરી રિક્ષા પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રાસણી નજીક પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં એક શંકાસ્પદ રિક્ષાની તપાસ કરતાં 164 દારૂની બોટલો સહિત કુલ મુદ્દામાલ સહિત ચાલક લાલા માજીરાણા જુનિરોહ, અમીરગઢવાળાની અટકાયત કરવામાં આવી છે.

કરજોડા નજીક નાકાબંધી દરમિયાન રિક્ષામાંથી 84 જેટલી દારૂની બોટલો સહિત કુલ મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક પ્રભુ ઠાકોર, કાકવાડા અમીરગઢવાળાની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે પ્રોહીબીશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.