વિસનગરમાં આવેલા ફતેહ દરવાજા વિસ્તારમાં આંગણવાડી 5માં નાની વયની કિશોરીઓએ પોતાની સુરક્ષા અંગે જાણકારી મળે તેમજ કિશોરીઓમાં સતર્કતા આવે તે માટે કિશોરીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું હતુ. આ આયોજન આંગણવાડી કાર્યકર તથા શહેર મહિલા મોરચાના પ્રમુખ/મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિસનગરમાં નાની કિશોરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં કિશોરીઓને સ્વ રક્ષણની તાલીમ પણ આપવામાં આવી રહી છે. તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નાનપણથી કિશોરીઓ મોટી બીમારીઓનો ભોગ ન બને તે માટે તેમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આંગણવાડી 5માં કિશોરીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ સખી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા કિશોરીઓને સુરક્ષા તથા જાતીય સતામણી બાબતે સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. કિશોરીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડના કોર્પોરેટર ભારતીબેન પણ હાજર રહ્યા હતા.