કડી : કડી શહેરના ભવપુરા વિસ્તારમાં આવેલ વાલ્મિકી સોસાયટીમાંથી પોલીસે રેડ કરીને વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા 1,25,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી બુટલેગર ઈસમ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

કડી શહેર તેમજ તાલુકાની અંદર કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ પ્રાઇવેટ તેમજ સરકારી વાહનમાં પ્રોવિઝન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સરદારબાગ પાસે પહોંચતા ખાનગી રહે વાતમી મળી હતી કે, કડી શહેરમાં આવેલ ભવપુરા વિસ્તારમાં વાલ્મિકી સોસાયટીમાં બંધમકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને ખાનગી રીતે વેપલો ચાલી રહ્યો છે.

જેથી પોલીસના સ્ટાફે ભવપુરા વિસ્તારમાં વાલ્મિકી સોસાયટીમાં પહોંચી ચિરાગ વાઘેલાના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં ઘર બંધ હોવાથી ચાવી મંગાવીને મકાન ખોલીને પંચોની સાક્ષીએ રેડ કરતા મકાનની અંદર સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. કડી પોલીસે સ્થળ પરથી રૂ.1,25,400નો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ કબજે કરીને ચિરાગ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ સ્થળ પરથી આરોપી ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.