ચરોતરના પેરીસ એવા ધર્મજમાં તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે ઉજવાશે 17મો ધર્મજ ડે,

ચરોતરના પેરીસ એવા ધર્મજ ગામે છેલ્લા 17 વર્ષથી યોજાતા ધર્મજ ડેમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ ઉમટી પડે છે. આ વખતે ધર્મજમાં થઇ રહેલી ઉજવણીને લઇ એનઆરઆઈમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં 2007થી અવિરત ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં પણ ઓનલાઇન ઉજવણી ચાલુ રાખી હતી. જેમાં હજારો લોકો જોડાયાં હતાં. આ પ્રસંગની સફળતા માટે દુનિયાભરમાંથી ધર્મજીયનો સહભાગી બને છે. વધુમાં સ્થાનિક રહેતા વતનીઓ તો દ્રવ્ય સાથે સમયદાન પણ આપી આ અભિનવ પ્રયોગને વધુ અર્થપુર્ણ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 12મી જાન્યુઆરી 2023 (પોષ વદ પાંચમ વિક્રમ સંવત 2979)ને ગુરૂવાર સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે. જેના માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે. આ વર્ષે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો હોઈ 17મા ધર્મજ ડેની ઉજવણી તિરંગા રંગની થીમ સાથે થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેથી“ધર્મજ ડે”માં પધારનારા મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.

ધર્મજમાં તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન કરવામાં આવશે. ચાલુ વર્ષે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે ઉજવણી થશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશ્યલ મિડિયા પર થશે. જેથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનારા મહેમાનો ઉપરાંત દેશ અને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઓન લાઈન પણ જોડાશે.