કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
નવનિર્વાચિત ધારાસભ્યશ્રીઓના ટ્રાફિક, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોનો સંતોષકારક નિકાલ
જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ : હાલ ટેસ્ટીંગ અને ટ્રાયલની પ્રક્રિયા
રિપોર્ટ -રાજ કાપડિયા-- દાહોદ__9879106469
જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. સંકલન સમિતિની બેઠકમાં નવનિર્વાચિત ધારાસભ્યશ્રીઓનું અધિકારીશ્રીઓ દ્વારા સાલ, મોમેન્ટો આપીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વે શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્ર ભાભોર સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સંકલન બેઠકના પ્રથમ ભાગમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો લેવામાં આવ્યા હતા. જેમાં દાહોદ નગરમાં ટ્રાફિકનો પ્રશ્ન, જિલ્લામાં આરોગ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણ, નલ સે યોજના, રસ્તાઓ, સ્માર્ટસીટી સહિતના પ્રશ્નોનો બેઠકમાં સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ દાહોદ નગરમાં ટ્રાફિકના પ્રશ્ને જણાવ્યું કે, ટ્રાફિક નિયમન ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ દ્વારા કરાય છે. ટ્રાફિક પોલીસની જે ઘટ હતી. તે હવે ભરી દેવામાં આવી છે અને ૧૮૦ જેટલા ટ્રાફિક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત એક ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે. તેમજ બિનજરૂરી પાર્કિગ સામે ક્રેન માટેનું ટેન્ડર પણ પ્રક્રિયામાં હોવાનું જણાવ્યું હતું. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે નગર તેમજ જિલ્લામાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા કેટલાંક સૂચનો પણ કર્યા હતા.
કાર્યપાલક ઇજનેરશ્રી વાસ્મોએ જણાવ્યું કે, જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. હવે ટેસ્ટીંગ અને ટ્રાયલની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તે પણ ઝડપથી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્યશ્રીઓના આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોનો સંતોષકારક નિકાલ લાવવામાં આવ્યો હતો.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે છેવાડાના ગામડા સુધી જનકલ્યાણલક્ષી યોજનાઓ પહોંચાડવા માટે જણાવ્યું હતું. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દરેક વિભાગને એક બીજા સાથે સંકલન સાધીને સામાન્ય માણસ સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ અસરકારક રીતે પહોંચાડવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.