પાવીજેતપુર પોલીસ સ્ટેશનના લોક દરબારમાં નાની ચોરીની પણ એફ આઇ આર કરવા : ડીએસપીએ જનતાને કરી અપીલ.
પાવીજેતપુર પોલીસ સ્ટેશનની છોટાઉદેપુર જિલ્લાના પોલીસવડા દ્વારા સરપ્રાઇઝિંગ વિઝીટ કરવામાં આવી હતી. તેમજ જનતા સાથે લોક દરબાર ભરી ડીએસપીએ નાની ચોરી માટે પણ ફરિયાદ કરવા જનતાને અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્માએ ૧૬ ડિસેમ્બર ના રોજ આકસ્મિક સરપ્રાઈઝ વિઝીટ પાવીજેતપુર પોલીસ સ્ટેશનની કરી હતી. આ સમયે પાવીજેતપુર તેમજ આજુબાજુ ગામડાના આગેવાનોને ભેગા કરીને લોક દરબાર ભરવામાં આવ્યો હતો. લોક દરબારમાં એસ.પી ધર્મેન્દ્ર શર્માએ બોલતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયો છે. આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી લાઈટ બિલ ના પૈસા માટે મેસેજ કરી ૫૦૦૦ જેવી રકમો બારોબાર પડાવી લે છે. ૧૦ વ્યક્તિ સાથે આવું ફ્રોડ કરે તો એના ૫૦,૦૦૦/- રૂપિયા થઈ જાય, સામાન્ય રીતે એક વ્યક્તિને ૫૦૦૦ જેવી નાની રકમ હોય તેથી તે વધુ માથાકૂટમાં પડતો નથી. જેમાં ફ્રોડ કરનારાઓને છૂટો દોર મળી જાય છે. સાથે સાથે હનીટેપ ની પણ વાત કરી હતી કે જેમાં લોકો ફસાઈને લાખો રૂપિયા ગુમાવી દે છે. ઈજ્જત જશે તેમ વિચારીને લાખો રૂપિયા ફ્રોડ કરનારાઓને આપી દે છે. તમારા ખાતામાંથી પૈસા જાય કે તમને ખબર પડે કે તરત સાયબર ક્રાઇમ વિભાગ ને જાણ કરો. જેથી કરી તાત્કાલિક ઇમરજન્સીમાં કાર્યવાહી કરી ગયેલા પૈસા પાછા મેળવી શકાય.
પાવીજેતપુર તાલુકાના ગામડાઓના આગેવાનો ઉપસ્થિત હોય ત્યારે તેઓને સંબોધતા કહ્યું હતું કે ગામડાઓમાં ખેતરોનો પાક બચાવવા માટે આજુબાજુ વીજ કરંટ છોડી દેવામાં આવે છે જેનાથી ઘણા મૃત્યુ થાય છે. ગયા વર્ષે છ થી સાત જેટલા યુવાનોના કરંટ લાગવાથી મોત થયા છે ત્યારે ગામડાઓમાં લોકોને સજાગ કરી ઝાટકા મશીન વાપરે અને વીજ કરંટ નો ઉપયોગ ન કરે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.
પાવીજેતપુર પોલીસ સ્ટેશન ની નજીક આવેલ મસ્જિદ ફળિયામાં રહેતા નિલેશભાઈ શાહને ત્યાં વારંવાર ચોરી થતી હોય તેથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવાની તેમજ નાની બજારમાં પોલીસ પોઇન્ટ મૂકવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. તેમજ ડુંગરવાંટ ચોકડી ઉપર વધુ બેરીકેટ મૂકી પુરપાટ ઝડપે દોડતા બાઈક ચાલકોને નિયંત્રણમાં રાખવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ પીએસઆઇ જેતાવતને જરૂર જણાય ત્યાં પોલીસ પોઇન્ટ મૂકવા અંગે તેમજ મોબાઈલ ના ચક્કર વાગે અને પોઇન્ટના પોલીસ યુવાનો પણ જાગતા રહે તેવી સૂચના આપવામાં આવી હતી. પાવીજેતપુર પોલીસ સ્ટેશન ની સરપ્રાઈઝ વિઝીટ માં ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ સંતોષ વ્યક્ત કર્યો હતો.