ગુજરાત સરકાર તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવાનું અમલ કરાવે : HC

તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભણાવવા પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે. જેનું પાલન કરવું અનિવાર્ય છે. ગુજરાત હાઇકોર્ટએ ટકોર કરતા કહ્યું કે સરકાર તમામ સ્કૂલને ફરજિયાત ગુજરાતી ભણાવવાના આ નિયમનો કડક અમલ કરાવે તે જરૂરી છે.

હાઇકોર્ટના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમની અનેક સ્કૂલો હજુ પણ ગુજરાતી ભણાવતી નથી. જેને લઈને આ દિશામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ 8 મહાનગરોમાં શિક્ષણ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓના નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઇકોર્ટ પણ આ અંગે ટકોર કરી છે.

*રિપોર્ટ ભારતી માખીજાણી*