કડી છત્રાલ હાઇવે ઉપર એક સોસાયટીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને ઉભેલા ઈસમને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ તેમજ ગાડી સહીત કુલ રૂપિયા 4,57,250નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ઈસમની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કડી શહેરમાં પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો છત્રાલ હાઇવે ઉપર હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ગજાનંદ સોસાયટીના કોમન પ્લોટમાં હિરેન પ્રજાપતિ નામનો ઈસમ વરના ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને બેઠેલો છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના ઘટના સ્થળે કોર્નર કરીને પહોંચી ગયા હતા અને સ્થળ ઉપર તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યાં સ્થળ ઉપરથી પોલીસે હિરેન પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરી હતી અને 52,250નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા 4,57,250 નો મુદ્દામાલ કબજે કરીને એક ઇસમની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.