ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં તૂટેલા રોડને બનાવવાની કામગીરી ચાલી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા રોડ બનાવવા માટે કામ ચાલુ કરાયું ત્યારે લોકો ખૂબ ખુશ જોવાતા હતા કે નગરને એક સારો રોડ ટૂંક સમયમાં મળી જશે , પરંતુ રોડનુ કામકાજ ખૂબ જ મંથર ગતિએ ચાલતા જવાબદાર તંત્ર પર જન આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે ,રોડ ના કામકાજને આસરે બે મહિના ઉપરાંત થવા છતાય રોડ ની આજુબાજુ ના વ્યાપારીઓ તેમજ રાહગીરને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469---દાહોદ

(રચનાત્મક ચિત્ર) 

બસસ્ટેશન વિસ્તારનો રોડ ડિવાઇડર વાળો બનાવી રહ્યા છે તેથી એક બાજુ ના રસ્તેજ આવવા જવાનું થાય છે જે રસ્તે થી આવવા જવાનું થાય છે તે રસ્તો જવાબદાર તંત્ર દ્વારા લેવલ કરવામાં આવેલ નથી, આખો રસ્તો તૂટેલો અને બિસ્માર છે અહીંયાથી નીકળતા વાહનો હાલાક ડોલક રીતે ચાલે છે જેથી ઘણી વાર નાના વાહનો વાળા પડી પણ જાય છે. આ વિસ્તારમાં મોટી મોટી હોસ્પિટલો હોવાથી અવર જવર વધુ રહે છે તેમજ નગર માંથી દાહોદ તરફ જવા માટે આ એક માત્ર રોડ હોવાથી લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે.

આ વિસ્તારમાંથી વાહનો ની અવરજવર વધુ હોવાથી ઘણી વાર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે જેથી નાની મોટી બોલા ચાલી જેવી ઘટનાઓ પણ અહીંયાં બનતી જોવા મળે છે. જવાબદાર તંત્ર દ્વારા કામગીરી મંથર ગતિએ ચાલતા નગરના સહુ કોઈમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. નગરનો મુખ્ય રોડ હોવાથી આવતા જતા સહુ કોઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

નગરના સહુ કોઈ જવાબદાર તંત્ર પાસે રોડની કામગીરી ઝડપથી થાય તે ઇચ્છી રહ્યાં છે , જવાબદાર કોન્ટ્રાક્ટર જો બરાબર કામગીરી ન કરી શકતો હોય તો બીજા કોન્ટ્રાક્ટર ને કામગીરી સોપી રોડનું કામ ઝડપી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.