કડીમાં પરણાવેલી કલોલની મહિલાને પતિ, સાસુ, જેઠ અને નણદોઈએ તેના પિયર કલોલમાં જઈને ગડદાપાટુનો માર મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ તમામ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સાસરી પક્ષના સભ્યો સામે કાનૂની કાર્યવાહી કરી છે.

વર્ષ 2019માં કડીમાં પરણાવેલી યુવતીને લગ્નના શરૂઆતના દિવસોમાં સારી રીતે રાખતા પતિ સહિતના સાસરીયા બાદમાં છેલ્લા એક વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ઘર સંસાર બચાવવા માટે પરિણીતાએ સાસરિયાંઓનો ત્રાસ મૂંગા મોઢે સહન કર્યો હતો. પરંતુ ગત તા.19 સપ્ટેમ્બરની રાત્રે પરિણીતાને તેના પતિએ અપશબ્દો બોલી સાસુએ માર મારીને પહેરે કપડે ઘરમાંથી બહાર કાઢી મુકતા તેણી તેના પિયર કલોલ રહેવા આવી ગઈ હતી. જ્યાં પણ તેના સાસરીના લોકોએ આવીને મારકૂટ કરતા અંતે પરિણીતાએ કાયદાનું શરણ લીધું છે.

કલોલના પાનસર ચોકડી નજીકના વિસ્તારમાં રહેતી યુવતીને વર્ષ 2019માં કડીના ઇન્દિરા નગર ભગતના વાડા કસ્બા ખાતે રહેતા મોહમ્મદ યાકુબ રસીલ ખાન પઠાણ સાથે પરણાવવામાં આવી હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલતું હતું. બાદમાં યુવતીનો પતિ મોહમ્મદ યાકુબ આફ્રિકા ગયો હતો. થોડો સમય આફ્રિકામાં રહ્યા બાદ પતિ પરત સ્વગૃહે આવ્યા પછી પરિણીતાને ‘તું મને ગમતી નથી’ તેમ કહીને મેણા ટોણા મારી તેના ઉપર શારીરિક તેમજ માનસિક ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પરિણીતાના સાસુ પણ મદદરૂપ બનતા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જોકે પરિણીતાએ ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજારવામાં આવતા ત્રાસ સામે તે પોતાનો સંસાર બચાવવા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી. પરંતુ ગત સપ્ટેમ્બર મહિનામાં તેને માર મારીને રાત્રે 9:00 વાગ્યાના અરસામાં ઘરમાંથી પહેરે કપડે કાઢી મુકતા તે તેના પિયર કલોલ આવીને રહેવા લાગી હતી.

કડીમાં સાસરીયા ત્રાસ આપતા હોય કલોલ પિયરમાં રહેતી પરિણીતાને ગત તા.02 ડિસેમ્બરના તેના પતિ મોહમ્મદ યાકુબ, સાસુ રસીલા બીબી, કૌટુંબિક જેઠ મજર હુસેન મયુદ્દીન અને નણદોઈ સતાર ખોખરે કલોલ પિયરમાં જઈ પરિણીતા સાથે ‘તું અમારા ઘરે પરત કેમ નથી આવતી’કહીને બોલાચાલી કરી હતી. બંને પક્ષે થયેલી તકરાર ઉગ્ર બની જતા સાસરી પક્ષના તમામ સભ્યોએ પરિણીતાને ગડદા પાટુનો માર મારી બિભત્સ અપશબ્દો બોલી શરીરના અલગ-અલગ ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. ​​​​​​​આ સમયે ઘરમાં હાજર પરિણીતાના ભાભી વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. સાસરી પક્ષના સભ્યોએ કરેલા હુમલામાં ઘાયલ થયેલી પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાદ પરિણીતાએ પોતાના પતિ સહિતના સાસરી પક્ષના ચાર સભ્યો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની કલોલ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.