જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને 

હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, તિરંગાની ખરીદી કરવામાં કોઈ જ નાગરિકને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવા પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં જોડાઈને લોકોને તિરંગો ફરકાવવા માટે પ્રેરણા આપે એવો અનુરોધ પણ કલેકટરશ્રીએ કર્યો હતો. 

  

ઉલ્લેખનીય છે કે, ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થનારી છે. આ દરમિયાન વિવિધ જાહેરસ્થાનો, સરકારી સંસ્થાઓ, જેલ, સ્કૂલો, કોલેજો, આરોગ્ય કેન્દ્રો અને તમામ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં તિરંગાનું વિતરણ યોગ્ય રીતે થાય અને ગામ પંચાયત સુધીના કેન્દ્રોમાં નાગરિકો તિરંગાની ખરીદી કરી શકે એવું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 

આ બેઠકમાં અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, નિવાસી અધિક કલેકટર શ્રી હનુમંતસિંહ જાડેજા, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.