વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા બપોરે સાબુ લેવા માટે બહાર નિકળી હતી. આ દરમિયાન તેમના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મુજફ્ફર ઉર્ફે બબલુએ પરિણીતા હાથ પકડી લીધો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ મુઝફ્ફરને હાથ છોડી દેવા બૂમાબૂમ કરી હતી. જેથી પરિણીતાનો પતિ દીલાવરખાન પણ બહાર આવ્યો હતો અને હાથ છોડી દેવા કહ્યું હતું.

જો કે ગુસ્સે ભરાયેલા મુજફ્ફરે પરિણીતાના પતિ દીલાવરને હાથમાં પહેરેલ પંચથી મોઢા પર મુક્કામાર્યા હતા અને તેને લોહીલુહાણ કરી દીધો હતો. તેમજ પરિણીતાને પણ મારમાર્યો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત દીલાવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને માથે ટાંકા આવ્યા હતા. બનાવ અંગે પરિણીતાએ જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કારેલીબાગ વુડા સર્કલ પાસે બાઇક અકસ્માતમાં એકનું મોત, એક ઇજાગ્રસ્ત

શહેરના વીઆઇપી રોડ પર વુડા સર્કલ પાસે ગત મોડી રાત્રે બાઇક પર જઇ રહેલા બે યુવક ડિવાઇડર સાથે અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજાઓ થઇ હતી. બાઇકસવાર યુવકો કાર સાથે અથડાઇ ન જાય તે માટે ડિવાઇડર તરફ ગયા હતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવકનું નામ દિવ્યેશ પ્રજાપતિ હોવાનું અને તેની સાથે ઇજાગ્રસ્ત યુવક નિખિલ ભાલેકા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેમજ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.